ગેરહાજર વિદ્યાર્થીને ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક CBSE ફરીથી આપશે નહીં
CBSE દ્વારા બોર્ડની પરિક્ષાની તા.1 જાન્યુઆરીથી પ્રાયોગીક કસોટીનો પ્રારંભ થશે તેના માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવી છે. બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શીકામા જણાવ્યુ છે કે, પરિક્ષા દરમિયાન દરેક ગ્રૂપના વિદ્યાર્થીઓના ફોટો પણ બોર્ડને મોકલવાના રહેશે પરિક્ષક અને સુપરવાઇઝરની સાથે પરિક્ષાર્થીનો ચહેરો પણ બતાવવો ફરજીઆત કરવામાં આવ્યો છે.
શાળાઓ માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા બાહ્ય પરીક્ષકો દ્વારા જ લેવામાં આવશે. શાળાઓ માટેની માર્ગદર્શિકામાં સૌથી મોટી સૂચના એ છે કે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો જેથી વિદ્યાર્થીઓને પુનરાવર્તન માટે પૂરતો સમય મળી શકે. શાળાઓએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે, પ્રયોગશાળાઓની તૈયારીઓ પૂર્ણ છે અને આંતરિક પરીક્ષા લેનારા શિક્ષકોની સમયસર પસંદગી કરવામાં આવે છે. વિદ્યાર્થીએ નિર્ધારિત સમય મુજબ પ્રેક્ટિકલ પરીક્ષામાં બેસવાનું રહેશે. કારણ કે, બોર્ડ દ્વારા ફરીથી ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે નહીં. શાળાઓના આચાર્યોએ ખાતરી કરવી જોઈએ કે લિંક પર સાચા માર્ક્સ અપલોડ કરવામાં આવ્યા છે, કારણ કે અપલોડ કરેલા માર્કસ અંતિમ ગણવામાં આવશે અને પછીથી કોઈ ફેરફાર કરી શકાશે નહીં. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષાઓ એવી રીતે આયોજિત થવી જોઈએ કે તેમની પરીક્ષા અન્ય વિદ્યાર્થીઓ સાથે લઈ શકાય.
પ્રાયોગિક પરીક્ષાઓના વધુ સારા સંચાલન માટે, શાળાઓને દરેક બેચના દરેક વિષયમાં બેચ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ બેચ 30-30 વિદ્યાર્થીઓની હશે. જો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 30થી વધુ હોય તો પ્રાયોગિક પરીક્ષા બે પાળીમાં અથવા એક કરતા વધુ દિવસે લેવામાં આવી શકે છે.
કેન્દ્રીય બોર્ડે કરેલી ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, શાળાઓએ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રાયોગિક પરીક્ષાઓ વિશે માહિતી આપવી જોઈએ જેથી તેમના સ્તરે પણ જરૂૂરી તૈયારીઓ પૂર્ણ કરી શકાય. શાળાઓએ એ પણ નોંધવું જોઈએ કે તેમની પાસે પ્રાયોગિક પરીક્ષાઓ માટે પૂરતી સંખ્યામાં પ્રાયોગિક ઉત્તરપત્રો છે.