CBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશે
ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વિષયો માટે ₹1,500 ફી હતી તે વધારીને રૂા.1600 તેમજ પાંચથી વધુ વિષયો (પ્રતિ વિષય) ₹300 થી વધારી રૂા.320 અને પ્રાયોગિક પરીક્ષા ફી (પ્રતિ વિષય) ₹150 થી વધારી રૂા.210 કરાવામાં આવી છે.
બોર્ડના ડેટા મુજબ, પાછલા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા માટે લગભગ 40 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું (ધોરણ 10 માટે 23 લાખ અને ધોરણ 12 માટે 17 લાખ). દરેક વિદ્યાર્થી પાસેથી સરેરાશ વધારાના ₹100 એકત્રિત થવાથી, બોર્ડને આ સુધારા દ્વારા આશરે ₹40 કરોડની વધારાની આવક થવાની અપેક્ષા છે.
વિદેશમાં અભ્યાસ કરતા પરીક્ષાર્થીઓ માટે પણ ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વિષયો માટેની ફી ₹10,000 થી વધારીને ₹11,000 કરવામાં આવી છે. જ્યારે વધારાના વિષયો માટેની ફી ₹2,000 થી વધારીને ₹2,200 કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાની ફી હવે ₹350 ના બદલે ₹375 રહેશે.
આ સુધારેલું માળખું તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે, સિવાય કે દિવ્યાંગ ઉમેદવારો જેમને ફીમાંથી મુક્તિ ચાલુ રહેશે. આ વર્ષે અન્ય કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓને ફીમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. નવા સુધારેલા દરો એવા વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે જેઓ આગામી બોર્ડ પરીક્ષાઓ માટે પહેલાથી જ નોંધણી કરાવી રહ્યા છે, એટલે કે તેમણે અપડેટ કરેલી ફી ચૂકવવી પડશે.