CBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર
પરીક્ષા બે ભાગમાં લેવા નિર્ણય, તૈયારીઓ માટે વધુ સમય મળશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) એ વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. બોર્ડે 24 સપ્ટેમ્બરે પોતાની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર કામચલાઉ સમયપત્રક બહાર પાડ્યું છે.
આ વખતે પરીક્ષાઓ બે ભાગમાં લેવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શાળાઓ અને શિક્ષકોને પરીક્ષા માટે પૂરતો સમય આપવાનો છે. આ સમયપત્રક મુજબ, મુખ્ય પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026 થી શરૂૂ થશે અને 15 જુલાઈ, 2026 સુધી ચાલશે.
CBSE દ્વારા જાહેર કરાયેલ ડેટ શીટ મુજબ, આ પરીક્ષામાં ભારત અને વિદેશના 26 દેશોમાંથી આશરે 4.5 મિલિયન વિદ્યાર્થીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ વિદ્યાર્થીઓ કુલ 204 વિષયોની પરીક્ષા આપશે. સમયસર પરિણામ જાહેર કરવા માટે વ્યવહારિક પરીક્ષાઓ (પ્રેક્ટિકલ એક્ઝામ), મૂલ્યાંકન અને પરિણામ બાદની પ્રક્રિયાઓ પણ સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવશે.
સામાન્ય રીતે, CBSE બોર્ડ પરીક્ષાની ડેટ શીટ પરીક્ષા શરૂૂ થવાના થોડા મહિનાઓ પહેલાં જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે બોર્ડે વહેલું સમયપત્રક જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ પાછળનો હેતુ વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત પક્ષકારોને તૈયારી માટે પૂરતો સમય આપવાનો છે. વિદ્યાર્થીઓ હવે તેમની પરીક્ષાની તારીખો વિશે સ્પષ્ટતા સાથે તેમના અભ્યાસની યોજના બનાવી શકશે. તેમને સુધારણા અને રિવિઝન માટે પૂરતો સમય મળશે.
શાળાઓ તેમની શૈક્ષણિક અને વહીવટી પ્રવૃત્તિઓનું વધુ સારી રીતે આયોજન કરી શકશે, જેમાં શિક્ષકોની નિમણૂક અને મૂલ્યાંકન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. શિક્ષકો પણ પોતાના રજાઓ સહિતના વ્યક્તિગત સમયપત્રકનું આયોજન વધુ સ્પષ્ટતા સાથે કરી શકશે. આ નિર્ણય ધોરણ 9 અને 11 ના નોંધણી ડેટાના આધારે લેવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે બોર્ડ શૈક્ષણિક પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુચારુ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ વહેલી જાહેરાત વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર થવામાં અને ઉત્તમ પરિણામો લાવવામાં મદદ કરશે.