સીબીઆઇ રેપ-મર્ડરની તપાસ કરે છે કે ઘોષના ભ્રષ્ટાચારની
કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરતી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની કેમ વિશ્ર્વસનિયતા રહી નથી એ કોલકાત્તા રેપ-મર્ડર કેસે સાબિત કરી દીધું છે. કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં 31 વર્ષની રેસિડેન્ટ મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી ત્યારે એવી અપેક્ષા હતી કે, ડોક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને પછી હત્યાના કેસમાં છુપાયેલાં રહસ્યોને સીબીઆઈ બહાર લાવશે અને બળાત્કારીઓ તથા તેમને મદદ કરનારાંને લોકો સામે ખુલ્લા પાડશે.
આ આશા બિલકુલ ઠગારી નિવડી છે અને સીબીઆઈ અત્યાર લગી ના તો ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં એવું કોઈ નવું તથ્ય બહાર લાવી શકી છે કે જે કોલકાત્તા પોલીસે ના શોધ્યું હોય ને ના તો કોલકાત્તા પોલીસે પકડેલા સંજય ઘોષ સિવાયના બીજા કોઈ આરોપીને પકડી શકી છે. સીબીઆઈની આ ઘોર નિષ્ફળતા છે પણ વધારે આઘાતજનક વાત એ છે કે, ડોક્ટર પર રેપ-મર્ડરનો કેસ બાજુ પર રહી ગયો છે ને સીબીઆઈ એ રીતે વર્તી રહી છે કે જાણે તેને ડોક્ટર પર રેપ-હત્યાની તપાસ માટે નહીં પણ આર.જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ભ્રષ્ટાચારની તપાસ કરવાનું કામ સોંપાયું છે.
આર.જી. કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપાઈ એ વાતને લગભગ ત્રણ અઠવાડિયા થઈ ગયાં અને ત્રણ અઠવાડિયાં પછી સીબીઆઈ દ્વારા આ પહેલી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને ડોક્ટર પર રેપ-મર્ડર સાથે શું લેવાદેવા છે એ ખબર નથી. ડોક્ટરની હત્યાના કેસમાં સંખ્યાબંધ સવાલો છે પણ એ સવાલોના જવાબ સીબીઆઈ પાસે નથી.
સીબીઆઈ સંદીપ ઘોષ કે તેના મળતિયાઓને ઉઠાવીને જેલમા નાખે, તેમની સામે ગમે તેટલા કેસ કરે ને ઈચ્છા થાય તો તેમનાં ઘરો પર બુલડોઝર પણ ફેરવી દે તો પણ આપણને કંઈ વાંધો નથી પણ મુદ્દો એ છે કે, સીબીઆઈ ડોક્ટરના રેપ-મર્ડર કેસમાં કશું કેમ શોધી શકતી નથી ? સીબીઆઈનું કામ તો ડોક્ટરની હત્યાનું સત્ય શોધવાનું હતું પણ તેના બદલે તપાસ ડોક્ટર સંદીપ ઘોષ પર કેન્દ્રિત કેમ થઈ ગઈ છે ?
સીબીઆઈએ ડોક્ટરના બળાત્કાર અને હત્યાના મુખ્ય આરોપી સંજય રોયને પહેલાં જ પોતાના સકંજામાં લઇ લીધો છે પણ તેની પાસેથી સીબીઆઈ કશું ઓકાવી શકી નથી. બલ્કે અત્યાર લગી તો સંજય ઘોષે જ બળાત્કાર કરેલો કે હત્યા કરી હતી એવા પુરાવા પણ સીબીઆઈ મૂકી શકી નથી. ડોક્ટર સેમિનાર હોલમાં સૂતી હતી ત્યારે સંજય ઘોષ સવારે 4.03 વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશતો દેખાયો હતો ને તેના આધારે તેને પકડી લેવાયો છે.
ડો. અખ્તર અલીએ કરેલા નાણાકીય ગોટાળાના આક્ષેપના કેસમાં સંદીપ ઘોષ સામે તપાસ શરૂૂ કરવામાં આવી છે.
હાઈ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં અખ્તર અલીએ સંદીપ ઘોષ પર ક્લેમ ન કરાયેલી લાશોનું ગેરકાયદેસર વેચાણ, બાયોમેડિકલ વેસ્ટની હેરાફેરી અને દવા અને મેડિકલ સાધનોના સપ્લાયર્સ પાસેથી કમિશન લઈને ટેન્ડર પાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. ડો. અલીએ એવો પણ દાવો કર્યો હતો કે, ઘોષ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાવવા માટે 5થી 8 લાખ રૂપિયા આપવા કહેતો હતો. આ આક્ષોપો ગંભીર છે ને તેની તપાસ થવી જોઈએ તેની ના નથી પણ મુખ્ય તપાસ ડોક્ટરના રેપ-મર્ડરની છે. આ કેસમાં સંદીપ ઘોષની શું ભૂમિકા કે બીજા કોણ કોણ સામેલ છે એ સીબીઆઈ શોધી શકતી નથી તેથી સંદીપ ઘોષને પકડીને પોતાની નિષ્ફળતા છુપાવવા મથી રહી છે એવું લાગે છે.