હૈદરાબાદની ઘટનામાં અલ્લુ અર્જુન સામે કેસ થયો, તિરુપતિની નાસભાગમાં કોને દોષિત ઠરાવાશે
દેશનાં સૌથી ધનિક મંદિરોમાંથી એક એવા આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે થયેલી ધક્કામુક્કીમાં 6 લોકોનાં મોત થયાં ને 300થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા એ સમાચારે અરેરાટી ફેલાવી દીધી છે. એક તરફ આ ઘટનાએ ભારતમાં મંદિરોના વહીવટમાં ચાલી રહેલી ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે. આપણે ત્યાં લોકોમાં શિસ્ત નથી એ મુદ્દો પણ ધ્યાને આવ્યો છે તો બીજી તરફ ધર્મસ્થાનોમાં બેઠેલા લોકો પણ ધર્મનું આચરણ કરીને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખવાની માનસિકતા ધરાવે છે એ પણ છતું થઈ ગયું છે. આમ તો ભારતમાં આ પ્રકારની ધક્કામુક્કીની ઘટનાઓ કે તેના કારણે થતાં મોતની વાત નવી નથી.
ભારતમાં ભતકાળમાં સંખ્યાબંધ મંદિરોમાં આ પ્રકારની ઘટનાઓએ બની છે અને સેંકડો લોકો મોતને ભેટ્યાં હોય એવું પણ બન્યું છે. ધાર્મિક કાર્યક્રમોમાં તો આવી ઘટનાઓ વરસમાં એકાદ વાર બની જ જાય છે તેથી લોકોને આવી ઘટનાઓથી પહેલાં લાગતો એવો આઘાત પણ લાગતો નથી પણ બીજી ઘટનાઓમાં અને તિરુપતિની ઘટનામાં ફરક છે. તિરુપતિ ભારતનાં સૌથી ધનિક મંદિરોમાં એક છે. તિરુપતિ મંદિરમાં દર વરસે કરોડો શ્રદ્ધાળુએ દર્શન કરવા આવે છે તેથી શ્રદ્ધાળુઓનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેની મેનેજમેન્ટને સમજ છે છતાં આ ઘટના બની તેથી આંચકો લાગે છે. આ ઘટના ગંભીર છે ને તેના માટે દોષારોપણ શરૂૂ થઈ ગયું છે. તિરુપતિ મંદિરનો વહીવટ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે.
ટીટીડીના ચેરમેન બીઆર નાથુડુએ દોષનો ટોપલો વહીવટીતંત્ર પર ઢોળીને કહ્યું છે કે, વહીવટીતંત્રની ભૂલને કારણે આ બધું થયું છે. ડીએસપીએ એક વિસ્તારનો ગેટ ખોલ્યો અને લોકો અંદર ઘૂસ્યા તેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટીટીડીના ભૂતપૂર્વ ચેરમેન ભૂમા કરુણાકર રેડ્ડીએ પણ તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ ખાતે દુ:ખદ નાસભાગની ઘટના અંગે ટીડીપી ગઠબંધન સરકારની ટીકા કરીને તેને વહીવટી નિષ્ફળતા ગણાવી. રેડ્ડીએ યોગ્ય વ્યવસ્થાના અભાવ પર સવાલ ઉઠાવીને વર્તમાન ટીટીડી ચેરમેનની ટીકા કરીને કહ્યું કે તેઓ ભક્તોની સેવા કરવાને બદલે રાજકીય પ્રચારને પ્રાથમિકતા આપે છે. તેમણે તો વળી ટિકિટ આપવામાં ગેરવહીવટ થયાનો આક્ષેપ કરીને તેની પણ તપાસની માગ કરી છે. તેમણે તો એસપી અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરીને કહ્યું છે કે, સરકારે આ દુર્ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને ભગવાન વેંકટેશ્વરના ભક્તોની માફી માગવી જોઈએ. તિરુપતિની ઘટના મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને આક્ષેપબાજી થઈ રહી છે એ કમનસીબી કહેવાય. તિરુપતિ મંદિરમાં દર્શનાર્થે આવે કે દર્શનાર્થે આવવા માટેની ટિકિટ લેવા આવે, એ બધાંની જવાબદારી ટ્રસ્ટની છે એ જોતાં ટ્રસ્ટે જ બધી વ્યવસ્થા કરવી જોઈએ અને કોઈ અરાજકતા ના સર્જાય એ જોવું જોઈએ.
તેના બદલે આ તો પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાખવાની વાત છે. તિરુપતિની દુર્ઘટના પછી લોકો કોઈ બોધપાઠ શીખે એવી આશા રાખવા જેવી નથી, પણ કમ સે કમ ધર્મસ્થાનોના કારભારી અને તંત્ર કોઈ બોધપાઠ શીખે તો પણ ઘણું છે. ભવિષ્યમાં આ પ્રકારનાં કોઈ પણ આયોજનમાં પૂરતી વ્યવસ્થા જળવાય અને લોકો પાસે પરાણે પણ શિસ્ત પળાવાય એવું આયોજન થાય તો કોઈ દુર્ઘટના નહીં બને કે કોઈનું મોત નહીં થાય ને ભગવાન પણ તેનાથી જ રાજી રહેશે. બીજો મુદ્દો એ છે કે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ના ખાસ સ્કિનિંગ વખતે નાસભાગ સર્જાઇ અને એમાં દોષીત માનવા મુશ્કેલ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરાઇ તો તિરૂપતીની દુર્ઘટનામાં કોને જવાબદાર ગણી કાયદાકીય પગલાં લેવાય છે તે જોવું રહ્યું.