રામ વગર દેશની કલ્પના ન થઇ શકે: શાહ
સંસદમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મામલે મોદીને ધન્યવાદ આપતા પ્રસ્તાવમાં રાજકીય વિભાજન દેખાયું: મોદીના વિદાય પ્રવચન સાથે 17મી લોકસભાનું આખરી સત્ર સમાપ્ત
17મી લોકસભાના આજે છેલ્લા દિવસે સત્તારૂઢ ભાજપના સભ્યોએ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પ્રસ્તાવ પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યં હતું કે મારે આજે કોઇને જવાબ આપવો નથી. આજે હું મારા મનની વાત અને દેશની જનતાની અવાજ ગૃહમાં રજુ કરવા માગું છું. આ અવાજ વર્ષોથી કોર્ટના દસ્તાવેજોમાં દબાયેલી હતી. નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી એ અવાજને અભિવ્યકિત મળી.
22 જાન્યુઆરીના દિવસને વિશે કેટલાક લોકો ભલે ગમે તે કહે આ દિવસ 10000 વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે દેશની કલ્પના રામ અને રામચરિત માનસ વિના કરી શકાય નહીં. રામનું ચરિત્ર અને રામ આ દેશના જનમાનસનો પ્રાણ છે. રામ વિના જે લોકો ભારતની કલ્પના કરે છે તે ભારતના નથી. તેમણે વધુમાં જણાવ્યું કે જેઓ ઐતિહાસીક ક્ષણોને ઓળખી શકતા નથી તો અસ્તિત્વ ખોઇ નાખે છે.
ભાજપના સભ્ય સત્યપાલસિંહે જવાહરલાલ નેહરૂના પુસ્તક ટ્રિસ્ટ વીથ ડેસ્ટિનીને ટાંકી જણાવ્યું હતું કે ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સાથે દેશનો લાંબા સમયથી દબાયેલો આત્માને 22 જાન્યુઆરીએ વાચા મળી હતી. ભાજપના મહેશ શર્માએ જણાવ્યું કે ભગવાન રામ ભક્તો માટે હૃદય આત્મા અને ચેતના છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેણે રામને કાલ્પનીક બતાવ્યા હતા.
500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર વાસ્તવીકતા બન્યુ છે. એ સાચુ છે કે અદાલતના આદેશથી રામ મંદિરનું નિર્માણ શકય બન્યું. એ પણ સાચું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો અને સંઘર્ષ પણ એ માટે કારણભુત રહ્યા છે.
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ મહાત્મા ગાંધીના આખરી શબ્દ ‘હે રામ’ અને નાથુરામ ગોડસેનો ઉલ્લેખ કરી વળતો પ્રહાર કર્યો હતો.
ચર્ચા દરમિયાન અસદુદીન ઓવૈસીએ પાકિસ્તાની શાયર હબીબ જાલિબનો શેર ટાંકી જણાવ્યું હતું કે હું રામની ઇજજત કરૂં છું પરંતુ નાથુરામને નખોદ કરૂં છું. ભાજપના ઓડિશાના સાંસદ પ્રતાપ સારંગીએ પીએમ મોદીની તુલના ભગવાન રામ સાથે કરી હતી.