એકથી વધુ મતદાર યાદીમાં ઉમેદવારનું નામ: ઉત્તરાખંડ ચૂંટણી પંચને બે લાખનો દંડ
નામાંકન પત્ર રદ થશે નહીં તેવા ચૂંટણી પંચના નિર્ણયને નિયમોનું ઉલ્લંઘન માનતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ગઇકાલે ચૂંટણી પંચને લઇને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને માત્ર ફગાવી જ નથી, પરંતુ કમિશન પર બે લાખ રૂૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ કેસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના નામ એકથી વધુ મતદાર યાદીમાં હોવાને લગતા વિવાદ સાથે જોડાયેલો હતો.
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે ચૂંટણી પંચના વલણને કાયદાના વિરુદ્ધ ગણાવ્યું હતું. ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આખરે કમિશન કાયદાકીય જોગવાઈઓની વિરુદ્ધ જઈને કેવી રીતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ કડક ટિપ્પણી સાથે કોર્ટે કમિશનની અરજીને આધારહીન ગણાવીને ફગાવી દીધી હતી.
અગાઉ ઉત્તરાખંડ હાઇકોર્ટે જુલાઈમાં આપેલા એક ચુકાદામાં પંચાયતની ચૂંટણીના નિયમન અંગે ચૂંટણી પંચના એક ખુલાસા પર રોક લગાવી હતી. કમિશને કહ્યું હતું કે જો કોઈ ઉમેદવારનું નામ એકથી વધુ ગ્રામ પંચાયતની યાદીમાં હોય તો પણ તેનું નામાંકન પત્ર રદ કરવામાં આવશે નહીં.
જોકે, હાઇકોર્ટે તેને ઉત્તરાખંડ પંચાયતી રાજ અધિનિયમ, 2016ની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન માન્યું હતું. કાયદાની કલમ 9(6) અને 9(7) સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ વ્યક્તિનું નામ એકથી વધુ મતદાર યાદીમાં નોંધાવી શકાય નહીં, તેમજ અન્ય મ્યુનિસિપલ સંસ્થાઓની યાદીમાં નામ હોય ત્યાં સુધી ગ્રામ પંચાયતની યાદીમાં સમાવેશ ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ તર્કને માન્ય રાખ્યો અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાયદાનું કડક પાલન અનિવાર્ય છે.