ગુનાની વિગત છુપાવનાર ઉમેદવારની ઉમેદવારી રદ થશે: સુપ્રીમ કોર્ટ
ચૂંટણી લડતા દરેક ઉમેદવારે નિર્દોષ છુટ્યા હોય તો પણ ફોર્મમાં ગુનાની વિગત આપવી જરૂરી: MPના કેસમાં સિમાચિન્હરૂપ ચૂકાદો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી લડતા દરેક ઉમેદવારે તેમના નોમિનેશન ફોર્મમાં તેમની તમામ અગાઉની દોષસિદ્ધિઓ જાહેર કરવી પડશે, પછી ભલે તે ગુનો નાનો હોય, અથવા ભલે તે સજા બાદમાં ઉપલી અદાલત દ્વારા રદ કરવામાં આવી હોય.
જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચાંદુરકરની બેન્ચે જણાવ્યું હતું કે ગુનાહિત ઇતિહાસ જાહેર ન કરવો એ મતદારના અધિકારનું ઉલ્લંઘન છે. આનાથી મતદાર ઉમેદવાર વિશે યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. કોર્ટે આ કૃત્યને દમન ગણાવ્યું અને કહ્યું કે તે મતદારના સ્વતંત્ર અધિકારમાં અવરોધ ઊભો કરે છે. ગુનાહિત ઇતિહાસ છુપાવવા બદલ ઉમેદવારની ઉમેદવારી રદ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મધ્યપ્રદેશના ભીકનગાંવના એક નગરપાલિકાના સભ્ય પૂનમના કેસનો ઉલ્લેખ કર્યો હતો, જે આ નિયમનો ભોગ બન્યા હતા. તેમની સામે ચેક બાઉન્સ (કલમ 138)નો કેસ હતો, જેમાં ટ્રાયલ કોર્ટે તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી હતી. તેમણે પોતાના નોમિનેશન ફોર્મમાં આ દોષસિદ્ધિની જાણ કરી ન હતી. ભલે બાદમાં હાઈકોર્ટે તેમની સજા રદ કરી દીધી હતી, તેમ છતાં સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી અને કહ્યું કે રદ થયેલી સજા પણ જાહેર કરવી જરૂૂરી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગુનાની ગંભીરતા મહત્વની નથી, ગુનાનો ખુલાસો કરવો સૌથી જરૂૂરી છે. આ ચુકાદા બાદ પૂનમની ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ નિર્ણય એ વાત પર ભાર મૂકે છે કે મતદારને ઉમેદવારનો સંપૂર્ણ ઇતિહાસ જાણવાનો મૂળભૂત અધિકાર છે.
કોઇપણ ગુના હેઠળ ધરપકડ માટેનું કારણ લેખિતમાં આપવું ફરજિયાત: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું કે, કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ગુના હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ માટેનું કારણ તેને સમજાય તેવી ભાષામાં લેખિતમાં આપવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો વ્યક્તિગત સ્વતંત્રતા માટેના બંધારણીય રક્ષણને મજબૂત બનાવશે. સુપ્રીમે કહ્યું કે, માત્ર પીએમએલએ અથવા યુએપીએ જેવા વિશેષ કાયદા હેઠળ જ નહીં, પરંતુ આઈપીસી-બીએનએસ હેઠળ દરેક ગુનામાં ધરપકડ સમયે આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું ફરજિયાત છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહને સમાવતી બેન્ચે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને તેની સમજમાં આવતી ભાષામાં ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવતા ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે ગણાશે. બેન્ચે જુલાઈ 2024ના હાઈ-પ્રોફાઈલ મુંબઈ બીએમડબલ્યુ હીટ-એન્ડ રન ઘટનામાં મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના કેસમાં આ ચૂકાદો આપ્યો હતો. આ કેસને મુખ્ય મામલો માનતા બેન્ચે અનેક અપીલો પર એક સાથે સુનાવણી કરી હતી. મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં મુખ્ય કાયદાકીય મુદ્દો બંધારણની કલમ 22(1) અને સીઆરપીસી, 1973ની કલમ 50, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ)ની કલમ 47નો ભંગ હતો. કારણ કે અધિકારીઓએ ધરપકડ સમયે આરોપીને તેનું કારણ લેખિતમાં જણાવ્યું નહોતું.