આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી, 1 જાન્યુઆરી 2026થી અમલની શક્યતા
65 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે
કેન્દ્રીય કેબીનેટે આજે આઠમાં પગાર પંચની સ્થાપનાને મંજુરી આપી દીધી છે. જેના પરિણામે 65 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે. આ પગાર પંચ પોતાની ભલામણો 18 મહિનાની અંદર કેન્દ્ર સરકારને સબમીટ કરશે અને આ પગાર પંચ એક જાન્યુઆરી 2026 સુધીમાં રચાઈ જવાની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે.
માહિતી અને પ્રશાસરણ મંત્રી અશ્ર્વિની વૈશ્ર્નવે આજે કેબીનેટ મીટીંગના બ્રીફીંગમાં આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, કેબીનેટે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થાના વધારા માટે આઠમાં પગાર પંચની નિમણૂંકને મંજુરી આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પગાર પંચ અલગ અલગ મંત્રાલયો, રાજ્ય સરકાર અને નોકરીદાતાઓના સંગઠન સાથે પરામર્શ કરીને પોતાની ભલામણો સરકારને સોંપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જુલાઈ મહિનામાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, સરકાર આઠમાં પગારપંચને નિમણૂંક માટે સક્રિય પ્રયાશો કરી રહી છે અને બધા સ્ટેક હોલ્ડર્સ સાથે પરામર્શ ચાલુ છે. સામાન્ય રીતે દર 10 વર્ષે કેબીનેટ દ્વારા પગાર પંચની નિમણૂંક કરવામાં આવે છે અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા બાબતે નિર્ણય કરવામાં આવે છે.
