બુમરાહનું ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનના વિશાળ માર્જિનથી હરાવીને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આ જીતમાં બુમરાહે બોલથી ધમાલ મચાવી. જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ સામે રમતી વખતે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ભારતીય ધરતી પર આવ્યું છે. તેણે આ મામલે અન્ય બોલરોને હરાવ્યા છે. વર્ષ 1934માં લાધાભાઈ અમરસિંહે ઈંગ્લેન્ડ સામે 141 રનમાં 8 વિકેટ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ આંકડા બંને ઇનિંગ્સના છે. તેના સિવાય મુનાફ પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2006માં મુનાફ પટેલે 97 રનમાં 7 વિકેટ ઝડપી હતી. આ બન્નેને પછાડીને બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે 3 વિકેટ ઝડપી હતી. કુલ 91 રનમાં 9 વિકેટ લઈને બુમરાહે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.