તમારા ખર્ચે મકાન બાંધી આપો: પ્રયાગરાજમાં બુલડોઝર કાર્યવાહી સામે યુપી સરકારને સુપ્રીમ કોર્ટનો હુકમ
સુપ્રીમ કોર્ટે આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના લોકોના મકાનો તોડી પાડવાના કેસની નોંધ લીધી છે. કોર્ટે અધિકારીઓને સખત ઠપકો આપ્યો છે.
પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના મકાનો તોડી પાડવા બદલ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. જસ્ટિસ અભય એસ ઓકા અને એન કોટીશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક અસંમતિ દર્શાવતા કહ્યું કે આવી કાર્યવાહી આઘાતજનક અને ખોટી મિસાલ સેટ કરે છે.
જસ્ટિસ ઓકાએ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેમાં ડિમોલિશન પહેલાં અનુસરવાની પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી. રાજ્યએ પોતાના પૈસાથી પુન:નિર્માણ કરવું પડશે.જસ્ટિસ ઓકાએ રાજ્યની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે, કોર્ટ હવે રાજ્યને તોડી પાડવામાં આવેલા બાંધકામોનું પુન:નિર્માણ કરવાનો આદેશ આપશે.
હવે અમે તમને તમારા પોતાના ખર્ચે પુન:નિર્માણ કરવાનો આદેશ આપીએ છીએ, આમ કરવાનો આ એકમાત્ર રસ્તો છે, જસ્ટિસ ઓકાએ કહ્યું. ઉલ્લેખનીય છે કે અલાહાબાદ હાઈકોર્ટે ડિમોલિશન વિરુદ્ધની તેમની અરજીને ફગાવી દીધા બાદ અરજદારો, એડવોકેટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને અન્ય વ્યક્તિએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
તેઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાવાળાઓએ શનિવારે મોડી રાત્રે તેમના ઘરોને તોડી પાડવાની નોટિસો જારી કરી હતી અને બીજા દિવસે તેમના મકાનો તોડી પાડ્યા હતા, જેથી તેઓને કાર્યવાહીને પડકારવાની કોઈ તક ન હતી. તેઓએ એવી પણ દલીલ કરી છે કે તેઓ જમીનના કાયદેસર પટેદાર હતા અને તેમના લીઝના અધિકારોને ફ્રીહોલ્ડ પ્રોપર્ટીમાં ક્ધવર્ટ કરવા માટે અરજી કરી હતી.
આ દરમિયાન એટર્ની જનરલે કેસને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. એટર્ની જનરલે કહ્યું કે, હું ડિમોલિશનનો બચાવ નથી કરી રહ્યો, પરંતુ હાઈકોર્ટને તેના પર વિચાર કરવા દો, પરંતુ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી.