બજેટનું કાઉન્ટડાઉન શરૂ: હલવા સેરેમની યોજતા નાણામંત્રી નિર્મલા સિતારામન
આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ રજુ થનાર કેન્દ્રીય બજેટમાં હવે આખરી ઘડીની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને આજે નાણાં મંત્રી નિર્મલા સિતારામને હલવા સેરેમનીથ યોજી હતી જેમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણા સચિવ સહિતના મંત્રાલયના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.
દર વર્ષે બજેટ પૂર્વે આ પ્રકારે નહલવા સેરેમની યોજાય છે જે બજેટની લોક-ઇન પ્રોસેસ ગણાય છે. એટલે કે બજેટ તૈયાર કરનાર ટીમ પૂરી રીતે નાણાંમંત્રાલયના ખાસ વિસ્તારમાં કેદ થઇ જાય છે. જેના કારણે બજેટ લીકેજ થાય નહીં. નાણા મંત્રી સંસદમાં પુરું બજેટ રજુ કર્યા બાદ જ આ તમામને પોતાના ઘરે જવાની છુટ મળે છે અને ત્યાં સુધી તેઓને નાણાં મંત્રાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. બજેટ પ્રિન્ટીંગ પણ નાણાં મંત્રાલયના નોર્થ બ્લોકમાં ખાસ પ્રિન્ટીંગ પ્રેસમાં છાપવામાં આવે છે અને બાદમાં તેની નકલો સૌ પ્રથમ સંસદ ભવનમાં પહોંચે છે.
નાણાં મંત્રી નિર્મલા સિતારામને તમામ અધિકારીઓને હલવાનો સ્વાદ ચખાડીયો હતો અને તે સાથે બજેટ શુભેચ્છાઓ પણ આપી હતી. જો કે બજેટ પછી સમાજ અને અર્થ તંત્રના કયા વર્ગને હલવો ખાઘાનો અનુભવ થાય છે તે જોવું રહ્યું. અર્થતંત્રની ખરાબ હાલતથી ચિંતીત અર્થશાસ્ત્રીઓ માને છે કે એકલા બજેટથી અર્થતંત્ર મજબુત નહીં થાય.