સંભલમાં ભાઇચારાને ગોળીએ દેવાયો: અખિલેશ કાળઝાળ
ઉત્તર પ્રદેશમાં સંભલ શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન 24 નવેમ્બરે ફાટી નીકળેલી હિંસાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે આ મામલે જોરદાર પ્રહારો કર્યા હતા. સંભલ હિંસા કેસ અંગે અખિલેશ યાદવે કહ્યું કે આ દિલ્હી અને લખનૌની લડાઈનું પરિણામ છે. આ દ્વારા સપા પ્રમુખે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. સંભલમાં પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા અને આ મામલે યોગ્ય તપાસની માંગ કરી જવાબદાર અધિકારીઓને શિક્ષા કરવા તેમણે માગણી કરી હતી.
તેમણે કહ્યું કે સંભાલ હિંસા એક સુવિચારી ષડયંત્રનું પરિણામ છે. તેમણે ગૃહમાં એએસઆઇ સર્વેના મુદ્દા પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે આ ખોદકામ આપણા દેશની સંસ્કૃતિને નષ્ટ કરશે. સંભલમાં વારંવાર ખોદકામની ચર્ચા છે. આ આપણા દેશના ભાઈચારો માટે ખતરો છે.
અખિલેશ યાદવે કહ્યું કે યુપીમાં પેટાચૂંટણીની તારીખો બદલવામાં આવી. અગાઉ 13 નવેમ્બરે ચૂંટણી યોજાવાની હતી. આ પછી 20મી નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. સંભલ કોર્ટનો નિર્ણય 19 નવેમ્બરે આવ્યો અને 2 કલાકમાં મસ્જિદનો સર્વે શરૂૂ કરી દેવામાં આવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે આ બધુ કોઈ ષડયંત્રનો ભાગ હોય તેમ લાગે છે. સપા પ્રમુખે કહ્યું કે આ સરકાર બંધારણને સ્વીકારતી નથી.
અખિલેશ યાદવે કહ્યું કે સર્વેની ટીમ 24 નવેમ્બર 2024ના રોજ ફરીથી સ્થળ પર પહોંચી. તેમણે કહ્યું કે પહેલા સર્વે પછી બીજા સર્વેની જરૂૂર કેમ પડી? મસ્જિદ કમિટિ વતી ટીમને રિ-સર્વે માટે કોર્ટનો આદેશ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાબતે તણાવ સર્જાયો હતો. જ્યારે લોકોએ સર્વેનું કારણ જાણવા માંગતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અખિલેશ યાદવે પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે સંસદમાં કહ્યું કે સંભલના સીઓએ સ્થળ પર જ પૂછપરછ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. જેના વિરોધમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનોએ સરકારી અને ખાનગી હથિયારોથી ગોળીબાર કર્યો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા.
સરવેનો આદેશ આપનારા જજો સામે કાર્યવાહી કરો: રામગોપાલ
સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે, સર્વે દ્વારા સમગ્ર દેશમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની સામે નોટિસ જારી કરવી જોઈએ અને આવા સર્વેનો આદેશ આપનારા જજો સામે કાર્યવાહી કરવી જોઈએ. રામ ગોપાલ યાદવે કહ્યું, 24 નવેમ્બરે સવારે 6 વાગ્યે સમગ્ર સંભલમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સંભલના લોકોને ખબર ન હતી કે પોલીસ શા માટે તૈનાત કરવામાં આવી રહી છે. થોડા સમય પછી, ડીએમ, એસએસપી, વકીલ અને કેટલાક લોકો મસ્જિદમાં ઘૂસી ગયા. ડ્રમ વગાડતા ટોળાને શંકા હતી કે તેઓ મસ્જિદમાં તોડફોડ કરવા જઈ રહ્યા છે પોલીસે ગોળીબાર કર્યો, 20 લોકો ઘાયલ થયા, અને ઘણા લોકો જેઓ પકડાયા હતા તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા.