મુંબઇ હુમલાના આરોપી રાણાને ભારત લાવીને કેસની પૂરતી કડીઓ જોડવામાં મદદ મળશે
મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાની અંતે મંજૂરી મળી ગઈ. 26/11 હુમલા તરીકે જાણીતા મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં તહવ્વુર રાણાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પણ રાણા અત્યાર લગી અમેરિકાની જેલમાં બંધ હતો. ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યર્પણ સંધિ છે તેથી ભારતે મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાના આરોપી રાણાને ભારતને સોંપવા અમેરિકાને વિનંતી કરી હતી.અંતે અમેરિકાની ઉપલી કોર્ટે પ્રત્યર્પણના નિર્ણય સામેની રાણાની અપીલને ફગાવી દીધી છે અને પ્રત્યર્પણ સંધિ હેઠળ રાણાને ભારતને સોંપી દેવાની મંજૂરી આપી દીધી છે.
અમેરિકન કોર્ટના આદેશ પછી રાણાને ભારત લાવવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવાઈ છે એ જોતાં બહુ થોડા દિવસોમાં તહવ્વુર રાણા ભારતની કસ્ટડીમાં હશે. તહવ્વુર રાણાને ભારતને સોંપવાના અમેરિકાના નિર્ણયને મીડિયાના એક વર્ગે ભારતની રાજદ્વારી જીત ગણાવી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ મોદી સરકારને પણ જશ આપી દીધો છે. આ ચુકાદાના કારણે ભારતે બહુ મોટી જીત મેળવી હોય એવું ચિત્ર ઊભું કરાઈ રહ્યું છે પણ વાસ્તવમાં આ ચુકાદો જરાય હરખાવા જેવો નથી. તેનું મુખ્ય કારણ એ કે, મુંબઈ હુમલાના 16 વર્ષ પછી તહવ્વુર રાણાને ભારતને સોંપાય તેનો કોઈ અર્થ નથી.
બીજું એ કે, તહવ્વુર રાણા મુંબઈ પરના આતંકવાદી હુમલાના કેસમાં કંઈ એવો મોટો ખેલાડી નથી. ભારતીય મીડિયા રાણાને મોટી માછલી ગણાવે છે પણ રાણા તો નાનું પ્યાદું પણ નહોતો. તહવ્વુર રાણાની આ હુમલામાં ભૂમિકા વિશે જાણશો તો આ વાત સમજાશે. ડેવિડ કોલમેન હેડલી મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને રાણાએ તેને આર્થિક મદદ કરી હતી તેનાથી વધારે તેની કોઈ ભૂમિકા નથી. હેડલી હુમલા પહેલાં ભારત આવ્યો હતો અને લાંબા સમય સુધી મુંબઈમાં આવીને ક્યાં ક્યાં હુમલા કરી શકાય છે તેની રેકી કરી હતી. તેના આધારે હુમલાનું કાવતરું ઘડાયું એ જોતાં હેડલીની ભૂમિકા મહત્ત્વની છે કેમ કે તેને તો ક્યાં ક્યાં હુમલો થશે તેની ખબર જ હતી. આમ પણ મુંબઈ હુમલામાં કાનૂની રીતે ન્યાયનો સમય જતો રહ્યો છે. હવે તો જે પણ સંડોવાયેલા હતા તેમને ઢાળી દેવાય તો થોડોઘણો સંતોષ થાય, બાકી કેસ ચલાવવાથી 16 વર્ષ પછી શું ન્યાય મળે?