બ્રિજભૂષણસિંહનો કરીબી સંજયસિંહ ખેલાડીઓને નકલી પ્રમાણપત્રો આપે છે
ભારતીય રેસલર અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ પર નિશાન સાધ્યું છે. સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક ખેલાડીનું સર્ટિફિકેટ શેર કરતા સંજય સિંહ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સાક્ષી મલિકે કહ્યું કે સરકાર દ્વારા ભારતીય રેસલિંગ ફેડરેશનની ગતિવિધિઓ થકી સસ્પેન્ડ કર્યા બાદ પણ સંજય સિંહ ખેલાડીઓને નકલી પ્રમાણપત્રો વહેંચી રહ્યો છે.
હકિકતમાં સાક્ષી મલિકે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસવીર શેર કરી અને લખ્યું કે ભારત સરકારે બ્રિજ ભૂષણ સિંહના પાર્ટનર સંજય સિંહને સસ્પેન્ડ કરી દેવા છતાં સંજય સિંહ તેની ઈચ્છા મુજબ નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છે. સાથે જ ખેલાડીઓને નકલી સર્ટિફિકેટ આપી રહ્યા છે જે ગેરકાયદેસર છે.
સાક્ષી મલિકે વધુમાં કહ્યું કે ખેલ મંત્રાલય દ્વારા આયોજિત રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપ જયપુરમાં યોજાવાની છે. પરંતુ એ પહેલાજ કુશ્તીમાં પોતાનો દબદબો સાબિત કરવા માટે સંજયસિંહ ગેરકાયદેસર રીતે અલગ-અલગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના પ્રમાણપત્રો પર સહી કરીને તેનું વિતરણ કરી રહ્યા છે. સંસ્થાના સસ્પેન્ડેડ વ્યક્તિ સંસ્થાના નાણાંનો કેવી રીતે દુરુપયોગ કરી શકે?
આગામી સમયમાં જ્યારે આ ખેલાડીઓ પોતાને મળેલા પ્રમાણપત્રો સાથે નોકરી માગવા નીકળશે ત્યારે કાર્યવાહી તો આવા ગરીબ ખેલાડીઓ ઉપર થશે. જ્યારે ખેલાડીઓની કોઈ ભૂલ નથી. આવી છેતરપિંડી કરનાર સંજય સિંહ સામે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ. તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં તે આ બધી છેતરપિંડી કરી રહ્યો છે. હું રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરજીને અપીલ કરું છું કે તેઓ આ મુદ્દા પર ધ્યાન આપે અને ખેલાડીઓના ભવિષ્યને બગાડતા બચાવે.