પંકજ ઉધાસના બન્ને મોટાભાઈ પણ જાણીતા ગઝલ ગાયક
- ચરખડીના ચારણ પરિવારમાં જન્મ, ઘરમાં સંગીતના માહોલથી ગઝલ ગાયિકામાં રસ પડયો
દેશના પ્રસિદ્ધ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યાં છે. સોમવારે 72 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે મુંબઈમાં દેહ છોડ્યો હતો. તેમના જેવું રત્ન ગુમાવીને ભારતને બહુ મોટી ખોટ પડી છે. પંકજ ઉધાસના કેટલાક ગીતો તો એવા લાજવાબ હતા કે તેમણે સાંભળીને આજે પણ આંખો ભરાઈ આવે, બોલિવુડના મોટા મોટા દિગ્ગજો તેમના ગીતો સાંભળીને આંસુથી છલકાયા હતા.
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના દિવસે ગુજરાતના ચરખડી ગામે ચારણ પરિવારમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના પંકજ ઉધાસના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. પંકજ ઉધાસની જેમ તેમના બન્ને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે પ્રસિદ્ધ છે. ઘરમાં જ સંગીતનો માહોલ હોવાથી તેમને રુચિ પેદા થઈ હતી જોકે શરુઆતમાં તેઓ તબલ વાદક બનવા માગતા હતા પરંતુ ધીરે ધીરે તેમને ગઝલમાં રસ પડવા લાગ્યો.
પંકજ ઉધાસનું શરુઆતનું ભણતર ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાંથી થયું હતું. આ પછી તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો અને વધુ અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો. દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓ પ્રખ્યાત વીણા વાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા.મોટા ભાઈ મનહર ઉધાસ થિયેટર એક્ટર હતા અને આને કારણે તેઓ સંગીતના ક્ષેત્રમા આવ્યાં હતા. તેમણે સૌ પ્રથમ એક થિયેટર ગાયક તરીકે સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેજ પર ‘એ મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું, જે દર્શકોને ખૂબ જ ગમ્યું હતું અને તેમને ઇનામ તરીકે ₹ 51 આપવામાં આવ્યા હતા.
પંકજ ઉધાસે આપેલી સુપરહીટ ગીતો અને ગઝલોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’, ‘ન કજરે કી ધાર, તું ચીજ બડી હૈ મસ્ત વગેરે સહિતના ઘણા ગીતો આપ્યાં છે. તેમના આ ગીતો આજે પણ એટલા તરોતાજા લાગે છે.
ઉલ્લેખનીય છે કે પંકજ ઉદાસના ભાઈ મનહર ઉધાસે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે જેમાં ‘રામ લખન’ના ‘તેરા નામ લિયા’, ‘હીરો’ના ‘તુ મેરા હીરો હૈ’, ‘જાન’ના ‘જાન ઓ મેરી જાન’, ‘કુરબાની’ના ’હમ તુમ્હે ચાહતા હૈં ઐસે’થી લઈને ‘કર્મા’નો સમાવેશ થાય છે.