મુર્શિદાબાદમાં બોંબ બ્લાસ્ટ: ત્રણનાં મોત, મકાન ધરાશાયી
મુર્શિદાબાદ જિલ્લાના સાગરપારા વિસ્તારમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકો બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા અને અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારમાં જોરદાર ધડાકો સંભળાયો. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
વિસ્ફોટના કારણે બોમ્બ બનાવનારા ત્રણ લોકોના જ મોત થયા સાથે વિસ્ફોટની અસરથી એક ઘરની છત અને દિવાલો પણ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ છે. મકાનનો કાટમાળ રસ્તાઓ પર ફેલાઈ જતાં આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. પોલીસ અને બચાવ ટુકડીએ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આસપાસના વિસ્તારને ઘેરી લીધો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. તેમજ વિસ્ફોટના કારણની તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો, પરંતુ તે જાણી જોઈને કાવતરું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સરકાર પાસે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યા છે.