બોફોર્સ કૌભાંડના દસ્તાવેજો બંધ પેટીમાં: મોદી સરકારનું ભેદી મૌન
રાજીવ ગાંધી સરકારને 1989ની લોકસભા ચૂંટણીમાં ઘરભેગી કરી દેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બોફોર્સ કૌભાંડનું ભૂત પાછું ઘૂણ્યું છે અને સ્વીડનની સરકારે ભારતને સોંપેલું સીક્રેટ બોક્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. બોફોર્સ કૌભાંડ જાણીતાં પત્રકાર ચિત્રા સુબ્રમણ્યમ બહાર લાવેલાં અને ચિત્રા સુબ્રમણ્યમે બોફોર્સ કાંડ પર બોફોર્સ ગેટ નામે પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ચિત્રા સુબ્રમણ્યમે બોફોર્સ કૌભાંડ વિશે ઘણી મહત્ત્વની વાતો કરી છે અને સવાલો ઉઠાવ્યા છે. આ સવાલોમાં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, બોફોર્સ કેસમાં સ્વિડન દ્વારા સોંપાયેલા મહત્વના ગુપ્ત દસ્તાવેજના બોક્સ હજુ સુધી કેમ ખોલવામાં આવ્યા નથી?
ટેક્નિકલી આ બોક્સ ખોલવામાં નથી આવ્યાં એવું ના કહી શકાય કેમ કે સીબીઆઈએ બોફોર્સ કાંડમાં દાખલ કરેલાં ઘણાં ચાર્જશીટમાં આ બોક્સમાં અપાયેલા પુરાવાને આધાર બનાવ્યો હતો પણ સામાન્ય લોકો માટે આ બોક્સ ખુલ્યાં નથી કેમ કે બોક્સના પુરાવાની સંપૂર્ણ વિગતો સામાન્ય લોકો સુધી પહોંચી નથી. આ સંજોગોમાં ચિત્રા સુબ્રમણ્યમે ઉઠાવેલો સવાલ યોગ્ય છે.
આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં બોફોર્સ કૌભાંડ શું હતું ને ભારતના રાજકારણમાં તેનું શું મહત્ત્વ છે તેની વાત કરી લઈએ, કેમ કે આજની પેઢીને બોફોર્સ કૌભાંડ શું છે તેની ખબર જ નથી. બોફોર્સ સ્વિડનની તોપ બનાવતી કંપની છે અને ભારતે 1990ના દાયકામાં બોફોર્સ દ્વારા બનાવાયેલી હોવિત્ઝર તોપ ખરીદી હતી. આ તોપની ખરીદીમાં 64 કરોડ રૂૂપિયાનું કમિશન અપાયું હોવાનો ધડાકો 1987માં થયેલો. બોફોર્સ કેસ ચલાવ્યો અને આખરે 2011 માં કેસ બંધ કરી :-દીધો હતો. સીબાઈની તપાસમાં બોફોર્સના ભારત ખાતેના પ્રતિનિધી વિન ચઢ્ઢા, ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટ્ટાવિયો ક્વાટ્રોચી, યુકેમાં સૌથી ધનિક એવા હિંદુજા બંધુઓને પણ આરોપી બનાવાયેલા પણ કોઈને સજા ના થઈ. બોફોર્સમાં કોણે કટકી ખાઈને દેશ સાથે ગદ્દારી કરેલી તેનો ફોડ પણ કદી ના પડાયો. ભાજપ આ બોક્સના પુરાવા લોકો સામે મૂકીને કમ સે કમ એ સત્ય તો બહાર લાવી શકે તેમ છે જ પણ નરેન્દ્ર મોદી સરકાર કેમ મૌન છે એ સમજાતું નથી.