પ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપની ભૂમિકા: ટિકૈતનો આક્ષેપ
ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સનસનીખેજ દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. પશ્ચિમ બંગાળમાં બની રહેલી બાબરી મસ્જિદના વિવાદ અંગે તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે આ મસ્જિદના નિર્માણમાં 70 ટકા જેટલો ફાળો ભારતીય જનતા પાર્ટી (BJP) નો છે.
આ ઉપરાંત, તેમણે ઉત્તર પ્રદેશમાં ઘૂસણખોરોની તપાસ, મતદાર યાદી સુધારણા (SIR) અને વંદે માતરમ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ પોતાની સ્પષ્ટ રાય રજૂ કરી હતી.
‘મસ્જિદ નિર્માણ એ રાજકીય પ્રક્રિયાનો ભાગ’ મંગળવારે (9 ડિસેમ્બર) મુઝફ્ફરનગરમાં મીડિયા સાથે વાત કરતા રાકેશ ટિકૈતે મુર્શિદાબાદમાં બની રહેલી બાબરી મસ્જિદના વિવાદ પર ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, "ત્યાં જે મસ્જિદ બની રહી છે, તેના નિર્માણમાં ભાજપની મુખ્ય ભૂમિકા છે અને લગભગ 70 ટકા રોલ તેમનો જ છે." ટિકૈતના મતે આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજકીય છે અને આગામી સમયમાં ચૂંટણીલક્ષી લાભ ખાટવા માટે આ મુદ્દે નવા નવા દાવાઓ સામે આવતા રહેશે.
જ્યારે તેમને કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદના નિવેદન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ટિકૈતે કહ્યું હતું કે મસૂદ પોતે એક જવાબદાર સાંસદ છે અને મુસ્લિમ સમાજમાંથી આવે છે. આ મુદ્દે તેમણે આપેલો પ્રતિભાવ પૂરતો છે. ટિકૈતે સૂચવ્યું કે ઈમરાન મસૂદની વાતને યોગ્ય રીતે સમજવી જોઈએ જેથી બિનજરૂૂરી વિવાદો ટાળી શકાય.
‘ઘૂસણખોરોને દેશ બહાર કાઢવા જ જોઈએ’ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા ઘૂસણખોરોની ઓળખ માટેના અભિયાન (Scrutiny Campaign) પર ટિકૈતે સરકારનું સમર્થન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઘૂસણખોર ગમે ત્યાંનો હોય, તે દેશમાં ગેરકાયદેસર રીતે ન રહેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ દસ્તાવેજો વગર રહેતી હોય, તો સરકાર અને તંત્રએ તેની ઓળખ કરીને તેને દેશ બહાર કાઢવા જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી દેશની સુરક્ષા અને વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, તે કોઈ ચોક્કસ ધર્મ કે સમુદાયના વિરોધમાં નથી.