ભાજપનો નવો પ્રયોગ! એમપીમાં વોટ્સએપ પ્રમુખની નિમણૂક
મતદાન મથકના દરેક મતદાર સુધી પહોંચવાનું લક્ષ્ય
ભારતીય જનતા પાર્ટી એ મધ્યપ્રદેશમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે નવી પહેલ કરી છે. પાર્ટીએ પહેલીવાર વોટ્સએપ પ્રમુખની નિમણૂક કરી છે. જેનો હેતુ બૂથ સ્તર સુધી પહોંચવાનો છે. પાર્ટીની વિચારધારા અને સરકારી યોજનાઓની માહિતી ડિજિટલ માધ્યમથી પહોંચાડવામાં આવશે. ભોપાલના રામકુમાર ચૌરસિયાને રાજ્યના પહેલા વોટ્સએપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના ભાજપ સંગઠનના અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વખાણ કરી ચૂક્યા છે. ટેક્નોલોજીના આ યુગમાં સગઠનને વધારે મજબૂત બનાવવા માટે ભાજપે પહેલીવાર વોટ્સએપ પ્રમુખની કામગીરી શરૂૂ કરી છે અને મધ્ય પ્રદેશમાં પહેલો વોટ્સએપ પ્રમુખ પણ બનાવી દેવાયો છે.
મધ્ય પ્રદેશમાં પહેલા વોટ્સએપ પ્રમુખ બનેલા રામકુમાર ચૌરસિયા ભોપાલના વતની છે અને ખાનગી કંપનીમાં જોબ કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં રામકુમારે કહ્યું કે, તેમણે એમએસસી સુધી અભ્યાસ કર્યો છે. રામકુમારે કહ્યુ કે તે મૂળ રાયસેન જિલ્લાનો વતની છે, પરંતુ 30 વર્ષથી ભોપાલમાં રહે છે.
રામકુમારે કહ્યું કે ભાજપે મને રાજ્યનો પ્રથમ વોટ્સએપ પ્રમુખ બનાવ્યો છે. હું વોટ્સએપ દ્વારા મારા બૂથના તમામ મતદારો સુધી પાર્ટીની વિચારધારા અને સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશ.