શાહજહાં-સંદેશખાલીના બહાને ભાજપનો મમતા સામે મોરચો
પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બનેલો સંદેશખાલીનો તૃણમૂલ કોંગ્રેસનો નેતા શેખ શાહજહાં અંતે ઝડપાઈ ગયો. છેલ્લાં 55 દિવસથી ભાગતા ફરતા શાહજહાં સામે હિંદુ મહિલાઓનું જાતિય શોષણ કરવાનો અને જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપો છે. આ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ શાહજહાં સામે અધિકારીઓ પર હુમલો તથા જમીન પચાવી પાડવાની જૂની ફરિયાદમાં કેસ કરેલા છે.
પશ્ર્ચિમ બંગાળમાં જે કૌભાંડો લાંબા સમયથી ગાજે છે તેમાં એક રાશન કાર્ડની ચીજો લોકોને આપ્યા વિના બારોબાર વેચી મારવાનું પણ છે. તૃણમૂલના નેતા અને મમતા બેનરજી સરકારના ભૂતપૂર્વ પ્રધાન જ્યોતિપ્રિય મલ્લિકનો સુંદરબન વિસ્તારમાં દબદબો હતો અને શાહજહાંનો પણ આ વિસ્તારમાં વટ છે તેથી શાહજહાં અને જ્યોતિપ્રિય મલ્લિકે 20 હજાર કરોડ રૂૂપિયાના રાશન કાર્ડ કૌભાંડમાં ભાગબટાઈ કરી હોવાનું કહેવાય છે. મલ્લિક અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અને ઈડી શાહજહાંને પણ જેલની હવા ખવડાવવા ઉંચીનીચી થઈ રહી છે તેથી ઈડી શાહજહાંની પૂછપરછ કરવા ગઈ ત્યારે હુમલો થયો હતો. ઈડીની ટીમ પાંચમી જાન્યુઆરીએ સંદેશખલીમાં શાહજહાંના ઘરે રેડ પાડવા ગઈ ત્યારે ટોળું તેના સ્વાગત માટે તૈયાર હતું. આ ટોળાએ હુમલો કરીને ઈડીની ટીમને ભગાડી દીધી હતી. ઈડીએ આ અંગે ત્રણ એફઆઈઆર નોંધાવી હતી પણ ઈડીની ટીમ પર હુમલાના દિવસથી શેખ શાહજહાં ફરાર થઈ ગયેલો.
ભાજપે પોતાના રાજકીય ફાયદા માટે આ મુદ્દાને હિંદુ વર્સીસ મુસ્લિમનો બનાવી દીધો પણ શાહજહાંની ગુંડાગીરીનો ભોગ બધા બનેલા છે. વાસ્તવમાં શાહજહાં શેખ સંદેશખાલી જ નહીં પણ આખા સુંદરબનમાં ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવે છે, જમીનો હડપી લે છે, ખેડૂતોને કે કોઈને પણ નાણાં ચૂકવાતા નથી. શાહજહાં શેખના ગુંડા ખેડૂતોને ફિશ પોન્ડ્સ માટે જમીન આપવાની ફરજ પાડવા માટે ખારું પાણી છોડીને તેને નકામી બનાવી દે છે એવી ફરિયાદો પણ છે. મનરેગા સહિતની સ્કીમોમાં કામ કરતા મજૂરો પાસેથી શહાજહાંના ગુંડા ખંડણી ઉઘરાવતા હોવાના આક્ષેપો પણ છે.