For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પદની ગરિમા જાળવી રાખે એવા ઉપરાષ્ટ્રપતિ ભાજપ પસંદ કરે

10:56 AM Jul 24, 2025 IST | Bhumika
પદની ગરિમા જાળવી રાખે એવા ઉપરાષ્ટ્રપતિ ભાજપ પસંદ કરે

જગદીપ ધનખડે દેશના ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું ધરી દીધું એ મુદ્દે ભરપૂર ચોવટ ચાલી રહી છે અને મીડિયા, સોશ્યલ મીડિયા વગેરેના કહેવાતા નિષ્ણાતો પોતપોતાની રીતે પતંગ ચગાવી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ રાજ્યસભામાં ધનખડને અપમાનિત કરી નાખ્યા તેના કારણે લાગી આવતાં ધનખડે રાજીનામું ધરી દીધું તો કોઈ વળી જસ્ટિસ યશવંત વર્મા સામેની ઈમ્પીચમેન્ટ મોશનના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર સાથે ડખો પડી ગયો તેમાં ધનખડનો વારો પડી ગયો એવા દાવા કરે છે.ધનખડે સત્તાવાર રીતે તો આરોગ્યના કારણે પોતે સામેથી રાજીનામું ધરી દીધું હોવાનો જ દાવો કર્યો છે પણ બિનસત્તાવાર રીતે ધનખડ પાસે રાજીનામું લખાવી લેવાયું હોવાની વાતો પુરજોશમાં ચાલી રહી છે.

Advertisement

જેમના ઘરે આગ લાગી તેમાં ચલણી નોટો બળી ગયેલી એ જસ્ટિસ યશવંત વર્મા સામે મોદી સરકારે લોકસભામાં ઈમ્પીચમેન્ટ મોશન રજૂ કરેલી. મોદી સરકાર રાજ્યસભામાં પણ જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવા માગતી હતી પણ સરકાર દ્વારા ઈમ્પીચમેન્ટ મોશન રજૂ કરાય એ પહેલાં વિપક્ષોએ રાજ્યસભામાં રજૂ કરેલી મોશનને ધનખડે સ્વીકારી લીધી.જસ્ટિસ વર્મા સામે સંસદનાં બંને ગૃહોમાં ઈમ્પિચમેન્ટ મોશન લાવીને નરેન્દ્ર મોદી સરકાર ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને પોતે ચલાવી લેવા તૈયાર નથી એવો સ્પષ્ટ ને કડક મેસેજ આપવા માગતી હતી પણ ધનખડે વિપક્ષની મોશન સ્વીકારીને ભાજપના પ્લાનની હવા કાઢી નાખી તેમાં ભાજપના નેતા ભડક્યા અને ધનખડનું પત્તું કપાઈ ગયું એવી વાતો પણ ચાલી છે.

આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ ધનખડને સરકાર સાથે કશુંક તો વાંકું પડ્યું જ છે એ નક્કી છે.ધનખડ સર્વજ્ઞાતા હોય ને પોતે કહેલી વાત સવા વીસ હોય એ રીતે કોઈ પણ મુદ્દે જ્ઞાન વહેંચતા રહેતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે સુપ્રીમ કોર્ટની વિરૂૂધ્ધ બોલવું કોઈ રાજકીય પાર્ટીના નેતાને શોભે પણ ઉપરાષ્ટ્રપતિને ના શોભે એ વાત જ સમજવાની તેમની તૈયારી નહોતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે મમતા બેનરજીની ટીકા કરતા એ રીતે જ ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ ટીકા કરતા. સુપ્રીમ કોર્ટ બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરીને પોતાની ફરજ બજાવી રહી છે એટલી સાદી વાતને પણ ધનખડે રાજકીય રંગ આપીને જે લવારા કર્યા એવા લવારા ભારતના ઈતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિએ નથી કર્યા. આશા રાખીએ કે, ભાજપ બીજા ધનખડને આ દેશના માથે ના મારે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement