આવતીકાલે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી
ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની સંભાવના
આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં તમામ રાજ્યના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે.
ભાજપના સંગઠન પર્વની જાહેરાત થઈ શકે છે. દેશભરમાં ભાજપ નવા અભિયાન સાથે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વ જાહેર થાય એવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં મંડળના અધ્યક્ષની નિયુક્તિ થશે.
ડિસેમ્બર સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે એવી શક્યતા છે. આ રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની રાષ્ટ્રીય મહામંત્રીઓ સાથેની બેઠકમાં સંગઠન પર્વને આખરી ઓપ અપાઈ શકે છે. આ અગાઇ 5 જુલાઈએ સારંગપુરમાં ભાજપની પ્રાદેશિક કારોબારીની બેઠક મળી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પુરો થયો છે, મને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઇકમાન્ડને રજૂઆત કરી છે. મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી કરો અને બીજા કોઇને જવાબદરી સોંપો,જે બધાને સાથે રાખીને ચાલે.
મને કેન્દ્રની જવાબદારી મળી છે અને અહીં મારો કાર્યકાળ પુરો થાય છે. હવે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે અને તેમના અધ્યક્ષ સ્થાને આગામી કારોબારી બેઠક મળશે.