હરિયાણામાં ભાજપની હેટ્રિક, કાશ્મીરમાં કોંગ્રેસ-NCની સરકાર
હારની બાજી જીતમાં પલટાવી હરિયાણામાં ભાજપે સત્તા જાળવી રાખી, કોંગ્રેસને હાથ લાગી નિરાશા, ચૌટાલા પરિવાર સાફ, ‘આપ’નો પણ ફલોપ શો
કાશ્મીરમાં કલમ 370 નાબુદીનો ભાજપનો જુગાર ચોપટ, નેશનલ કોન્ફરન્સનો ફરી ઉદય, મહેબૂબાની પીડીપી 4 બેઠકોમાં સમેટાઇ, પુત્રીનું રાજકીય લોન્ચિંગ ફેઇલ
હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચુંટણીઓના આજે પરિણામો આવી જતા હરિયાણામાં રાજકીય ગણીતો ઉંધા પાડીને ભાજપ ત્રીજી વખત સતા જાળવવામાં સફળ થયેલ છે. અહીં 90 બેઠકમાંથી ભાજપને 48 બેઠકો મળી રહી છે. જયારે કોંગ્રેસને સતાથી વેંતનું છેટુ રહી ગયુ હોય તેમ કોંગ્રેસને 36 બેઠક મળી છે. જયારે ત્રણ બેઠકો અન્ય પક્ષોને ફાળે ગઇ છે.
જયારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે બાજી મારી છે અને 90માંથી 49 બેઠકો આ ગઠબંધનને મળી છે. કાશ્મીરમાં આપનો ડોડા બેઠક ઉપર વિજય થતા આપનું ખાતુ ખુલ્યુ છે તો મહેબુબા મુફતીની પીડીપી માત્ર ચાર બેઠકો ઉપર સમેઇટા ગઇ છે. મહેબુબાની પુત્રી ઇલ્તિજા મોફતીનું રાજકીય લોન્ચિંગ ફેઇલ ગયું છે અને શ્રીગુફવારા બેઠક પરથી તેનો પરાજય થયો છે. કાશ્મીરમાં કોંગ્રેસને 6, નેશનલ કોન્ફરન્સને 41, ભાજપને 29 અને પીડીપીને 4, આપને 1 બેઠક મળી છે. સાત અપક્ષો પણ જીતી રહ્યા છે.
હરિયાણામાં આ વખતે ભાજપ હારે તેવા એકઝીટ પોલ હતા પરંતુ એસ.સી. અનામત 17 બેઠકો ઉપર ભાજપ ફાવી ગયું હોય તેમ ગત ચુંટણીમાં પાંચ બેઠકો મળી હતી ત્યાં આ ચુંટણીમાં દસ બેઠકો મળી છે. કોંગ્રેસને આ બેલ્ટમાં મોટો ફટકો પડયો છે અને બેઠકો ઘટી જતા સતાથી વેંતનું છેટુ રહી ગયું છે.
આ ચુંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, હરિયાણા સરકારના 10માંથી 6 મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે.
નાણામંત્રી, કૃષિમંત્રી, આરોગ્યમંત્રી, ખેલમંત્રી, શહેરી વિકાસ મંત્રી, પંચાયત મંત્રી પાછળ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠક પરથી ચુંટણી જીતી ગયા છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની એકતરફી જીતની આગાહી કરવામાં આવી હતી. મત ગણતરીમાં પણ શરૂૂઆતમાં કોંગ્રેસ તરફી વલણ જોવા મળ્યું હતું પરંતુ અચાનક પલ્લું પલટાઈ જતાં પરિણામો ચોંકાવનારા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ 49 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ માત્ર 35 સીટો પર અટવાયેલી છે. પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા સમગ્ર ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધીએ પણ એક ડઝન રેલીઓ અને વિજય સંકલ્પ યાત્રા પણ કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતો, સૈનિકો અને કુસ્તીબાજોની નારાજગીનો લાભ મળવાની આશા હતી.
હરિયાણા કોંગ્રેસમાં હુડ્ડા વિરુદ્ધ કુમારી સેલજાની ખેંચતાણ રહી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બંને નેતાઓ વચ્ચેના સંબંધોને હળવા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કુમારી સેલજા અને હુડ્ડા બંને સીએમ પદ માટે અલગ-અલગ દાવા કરી રહ્યા હતા. બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચેની ખેંચાતાણમાં પાર્ટીને નુકસાન થયું છે.
કોંગ્રેસે હરિયાણા ટિકિટ વહેંચણીમાં જાટ નેતૃત્વને આગળ કર્યું. ભૂપિન્દર સિંહ હુડ્ડાના નિર્દેશ પર 72 ટિકિટ આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જાટ લોબીના વર્ચસ્વને પગલે અહિરવાલ પટ્ટામાં યાદવ, બ્રાહ્મણ સહિત અન્ય ઘણા સમુદાયો એક થઈને ભાજપ સાથે ગયા. આ સિવાય કરનાલ, કુરુક્ષેત્ર, હિસાર જેવા વિસ્તારોમાં પંજાબીઓ સહિત અન્ય સમુદાયો ભાજપ તરફ વળ્યા.
ભાજપે 6 મહિના પહેલા જ હરિયાણાના સીએમ બદલ્યા હતા. મનોહર લાલ ખટ્ટરને હરિયાણાના સીએમ પદેથી હટાવીને લોકસભાની ચૂંટણી લડાવી કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. અને રાજ્યની જવાબદારી નાયબ સિંહ સૈનીને સોંપી. ખટ્ટરને ચૂંટણી પ્રચારથી સંપૂર્ણપણે દૂર રાખીને લોકોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો. નવા ચહેરો અપનાવવાની પોલિસી સફળ રહી.
કોંગ્રેસના નેતાઓ ભારે ઉત્સાહમાં હતા તો બીજી તરફ ભાજપે ટીકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ જાળવી રાખ્યું હતું. પ્રથમ વખત ગુરુગ્રામમાં બ્રાહ્મણ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને યાદવને મહેન્દ્રગઢમાં તક આપવામાં આવી હતી. આ ઉપરાંત, સૈની, ગુર્જર અને યાદવ સમુદાયો વચ્ચે ઘણી બેઠકો યોજવામાં આવી હતી. આ રીતે ભાજપ બિન-જાટ ઓબીસી સમુદાયો વચ્ચે સંતુલન સાધ્યું તેનું પરિણામ જોવા મળ્યું છે.
જમ્મુ કાશ્મીર એક દાયકા બાદ યોજાઈ રહેલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી (જમ્મુ કાશ્મીર ચુનાવ પરિણામ 2024)ના પરિણામો આવવા લાગ્યા છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર ભારતીય જનતા પાર્ટીએ 20 સીટો અને ઈન્ડિયા એલાયન્સે 35 સીટો પર જીત મેળવી છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ બડગામથી પોતાની સીટ જીતી છે. એક સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. ચૂંટણી પહેલા અપક્ષ ઉમેદવારોને લઈને ચાલી રહેલી વાતો પણ લગભગ સાચી સાબિત થઈ રહી છે.
અત્યાર સુધીમાં ત્રણ અપક્ષ ઉમેદવારોએ તેમની બેઠકો જીતી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પોતાની સીટ નૌસેરા 7 હજાર મતોથી હારી છે. ટ્રેન્ડ મુજબ ઈન્ડિયા એલાયન્સ 28 સીટો પર આગળ છે. જ્યારે જમ્મુ સીટોના આધારે ભાજપ 13 સીટો પર આગળ છે. અબ્દુલ્લા પરિવારની નેશનલ કોન્ફરન્સ પોતાના દમ પર 21 સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, ગત વખતે ભાજપ સાથે સરકાર બનાવનાર પીડીપીની હાલત ખરાબ જોવા મળી રહી છે. પોતાની હાર સ્વીકારીને પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીએ લખ્યું છે કે હું જનતાના જનાદેશને સ્વીકારું છું. તેમની પાર્ટી માત્ર 5 સીટો પર આગળ ચાલી રહી છે. લોકસભાના સભ્ય શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રશીદના નજીકના પીરઝાદા ફિરદૌસ અહેમદને નવ રાઉન્ડની મતગણતરી બાદ માત્ર 4,499 મત મળ્યા છે, જ્યારે ફૈયાઝને 26,941 મત મળ્યા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીથી કાશ્મીરના લોકો માટે ઘણું બદલાઈ ગયું છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો. સીમાંકન બાદ યોજાનારી પ્રથમ ચૂંટણીમાં આજે તમામ પક્ષો પોતાની જીતનો ઝંડો ફરકાવવા માટે તલપાપડ છે.
સૈની જ હરિયાણાના ફરી મુખ્યમંત્રી બનશે
હરિયાણાના ચૂંટણી પરિણામોમાં સામે આવી રહેલા રૂૂઝાનોમાં ભાજપ બહુમતની નજીક છે. જીતનો આંકડો તેના પક્ષમાં છે. એવામાં સવાલ એ છે કે પાર્ટીની તરફથી રાજ્યમાં મુખ્યમંત્રી કોણ હશે? આ તમામ સવાલો વચ્ચે હવે પાર્ટી તરફથી જ જવાબ આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ મોહનલાલે સ્પષ્ટ કરી દીધુ છે કે સીએમ નાયબ સૈની જ મુખ્યમંત્રી તરીકે બની રહેશે. મોહનલાલનું આ નિવેદન પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ વીજ માટે પણ આંચકાજનક છે કારણ કે તેઓ સૈનીને સીએમ બનાવવાના મતમાં નથી. હરિયાણાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ મોહનલાલે એક ચેનલ સાથેની વાતચીતમામ જણાવ્યુ કે હરિયામામાં ત્રીજીવાર ભાજપની સરકાર બનશે. સીએમ નાયબ સૈની જ બની રહેશે. જ્યારે તેમને અનિલ વીજની દાવેદારી અંગે સવાલ કરાયો તો તેમણે સ્પષ્ટ કરી દીધુ કે અનિલ વીજ સીએમ નહીં બને.