રાહુલ ગાંધી સામે વાયનાડમાં ભાજપે 242 ગુનાહિત કેસ ધરાવતો ઉમેદવાર ઉતાર્યો
ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર કે. સુરેન્દ્રનને જાહેર કર્યા છે. સુરેન્દ્રન સામે 242 ગુનાહિત કેસ છે. વાયનાડ સીટ પર સુરેન્દ્રનનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સાથે થશે. કાનૂની જરૂૂરિયાતો અનુસાર, સુરેન્દ્રને તાજેતરમાં જ પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી હતી. તેના ટ્રાયલનો ઉલ્લેખ ત્રણ પાનામાં કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે, બીજેપીના એર્નાકુલમ મતવિસ્તારના ઉમેદવાર કે. એસ. રાધાકૃષ્ણન સામે લગભગ 211 કેસ છે. સુરેન્દ્રન સામેના કેસ વિશે પૂછવામાં આવતા, પાર્ટીના રાજ્ય મહાસચિવ જ્યોર્જ કુરિયને કહ્યું, મોટાભાગના કેસો 2018માં સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે. જ્યારે પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન માટે બોલાવે છે, ત્યારે પોલીસ તે સંદર્ભમાં કેસ નોંધે છે. જ્યારે પાંચ કેરળમાં વિવિધ આંદોલનોના સંદર્ભમાં નોંધાયેલા છે. થાનમથિટ્ટા જિલ્લામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના કેરળ સરકારના નિર્ણય સામે ભાજપ અને તેની સંલગ્ન સંસ્થાઓએ 2018 માં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. રાહુલે 2019માં બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. યુપીની અમેઠી સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેરળની વાયનાડ સીટ પરથી તેઓ જીત્યા હતા. આ વખતે પાર્ટીએ વાયનાડથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.