ભાજપના મહાસચિવ વિનોદ તાવડે 5 કરોડ સાથે ઝડપાતા ખળભળાટ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ‘કેશ ફોર વોટ’ના ખેલ? વસઇની હોટલમાં BVAના ધારાસભ્ય અને કાર્યકરોએ છાપો મારી મચાવી ધમાલ, પોલીસે તાવડેને માંડ બચાવ્યા, ભાજપે આક્ષેપો નકાર્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે આજે મુંબઇ નજીક વસઇમાં આવેલી હોટલ વિવાન્તામાંથી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને બહુજન વિકાસ અઘાડીના સ્થાનિક ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુર અને કાર્યકરોએ રૂા.પાંચ કરોડની રોકડ સાથે ઝડપી લીધાના અને તાવડે મતદાન માટે રોકડ વેંચવા આવ્યાના આક્ષેપ સાથે ભારે ધાંધલ ધમાલ મચાવી હતી અને બહુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ આખી હોટલ બાનમાં લઇ તાવડેને પણ નજર કેદ કરી લઇ પોલીસ, ચુંટણી પંચ, ઇન્કમટેકસ, ઇડી સહીતના સરકારી વિભાગોને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
બીવીએના ધારાસભ્ય હિતેન્દ્ર અઘાડીએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે નાણા બાંટવા આવી રહ્યાની અમને જાણ થતા અમે અગાઉથી વોચ ગોઠવી તેમને ઝડપી લીધા હતા પરંતુ પ્રશાસન તેમને છાવરી રહ્યું છે. મતદાનના 48 ટકા પહેલા બહારની વ્યક્તિ અહીં શું કરે છે? તે અમારો સવાલ છે.
પોલીસે હોટલમાંથી મહામહેનતે બહાર કાઢયા બાદ ભાજપ નેતા વિનોદ તાવડેએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, હું તો અહીં કાર્યકરોને મળવા આવ્યો છું, હોટલના સીસીટીવી ફુટેજ ચેક કરવા અને યોગ્ય તપાસ કરવા સરકારને મારી અપીલ છે. ભાજપના આઇ.ટી. સેલના પ્રમુખ અમિત માલવીયાએ પણ તાવડે નાણા સાથે હોટલમાં આવ્યાની વાતને રદીયો આપી તટસ્થ તપાસની માંગણી કરી છે.
બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ વિવંત હોટલમાં પૈસા વહેંચ્યા હતા. વિનોદ તાવડેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આરોપ છે કે કામદારો પૈસાની થેલીઓ સાથે હોટલમાં પૈસા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિનોદ તાવડેને શરમ આવવી જોઈએ. તેણે મને 25 વખત ફોન કરીને કહ્યું કે માફ કરશો. તાવડે 5 કરોડ રૂૂપિયા લાવશે તેવા સમાચાર મને પહેલેથી જ સમજાઈ ગયા હતા. તેથી મેં કાર્યકરોને બોલાવ્યા હતા. તેમ હિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું.
વિનોદ તાવડે કહી રહ્યા છે કે બેઠક સારી ચાલી રહી હતી. પરંતુ શું ભાજપના રાષ્ટ્રીય નેતાને ખબર નથી કે બહારના નેતાઓએ 48 કલાક પહેલા મતવિસ્તાર છોડવો જોઇએ? શું તેમની પાસે એટલી સામાન્ય સમજ નથી? હિતેન્દ્ર ઠાકુરે કહ્યું છે કે તાવડે માટે 5 કરોડ લાવ્યા હતા, હવે જોવાનું રહેશે કે પોલીસ શું કરે છે.
દરમિયાન શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે ભાજપ માત્ર મની પાવરના પ્રભાવથી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પંચે જે કામ કરવું જોઈતું હતું તે જનતા કરી રહી છે. ચૂંટણી પંચે આ મામલાની નોંધ લેવી જોઈએ. ચૂંટણી પંચમાંથી અમારો ભરોસો તૂટી ગયો છે. અમારા નેતાઓની બેગ રાત-દિવસ તપાસવામાં આવી પરંતુ કંઈ મળ્યું નહીં. જ્યારે બીજેપી નેતા વિનોદ તાવડેની બેગની તપાસ કરવામાં આવી નથી.
શિંદે જૂથના નેતા હોટલમાંથી બે કરોડની રોકડ સાથે ઝડપાયા
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન પૂર્વે કેશ ફોર વોટ જેવા કિસ્સામાં ભાજપ અને શિંદે - શિવસેના જુથના એક નેતાના રૂમમાંથી રૂા. 2 કરોડ રોકડા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ચૂંટણીપંચે બાતમીના આધારે આજે સવારે એક ફાઇવ સ્ટાર હોટલમાં રૂમમાં રેડ કરી હતી જેમાં રૂા. પ00ના બંડલ ભરેલા થેલા પકડાયા હતા. આ રોકડ રકમની ગણતરી કરવામાં આવતા રૂા. ર કરોડ જેટલી રકમ હોવાનું સામે આવ્યુ હતું. આ રૂમ શિંદે - શિવસેના જુથના નેતા જયંત સાઠેના નામે બુક હોવાનું સામે આવ્યુ હતુ. ચૂંટણીપંચે તમામ રોકડ રકમ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.