વંશવાદી રાજકીય પક્ષોનો ટેકો લેવામાં ભાજપની મજબૂરી
કોંગ્રેસના ટોચના નેતા અને સાંસદ શશી થરૂૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદી રાજકારણ પર લખેલા લેખે ખાસી ચર્ચા જગાવી છે. ‘ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ’ ટાઈટલ હેઠળના લેખમાં થરૂૂરે વંશવાદને દેશની લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવીને લખ્યું છે કે, ભારત માટે પરિવારવાદ છોડીને યોગ્યતા આધારિત વ્યવસ્થાને અપનાવવાનો સમય આવી ગયો છે કેમ કે જ્યાં સુધી રાજકારણ પરિવારોની આસપાસ ફરે છે ત્યાં સુધી લોકશાહીનો સાચો અર્થ સાકાર નહીં થાય. થરૂૂરે પોતાના લેખમાં નેહરુ-ગાંધી પરિવારને ભારતનો સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર ગણાવીને લખ્યું છે કે, નહેરૂૂ-ગાંધી પરિવારનો વારસો સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલો છે તેથી આ પરિવાર રાજકારણમાં ચાલ્યો પણ તેના કારણે એવી ધારણા પણ ઊભી થઈ છે કે રાજકારણ કેટલાક પરિવારોનો જન્મસિદ્ધ અધિકાર છે. શશી થરૂૂરે પરિવારવાદના દૂષણને ખતમ કરવા માટે શું કરવું જોઈએ તેનાં સૂચનો પણ કર્યાં છે. થરૂૂરના મતે, કોઈ પણ હોદા માટે કાયદેસર રીતે નિશ્ચિત કાર્યકાળ, પક્ષમાં આંતરિક ચૂંટણીઓ અને મતદાતા જાગૃતિ સહિતના મૂળભૂત સુધારાથી પરિવારવાદ પર અંકુશ આવી શકે.
શશી થરૂૂર કોંગ્રેસની નેતાગીરીથી દુભાયેલા છે અને સમયાંતરે કોંગ્રેસના સત્તાવાર વલણથી અલગ વાજું વગાડયા કરે છે. કોંગ્રેસ વચ્ચે વચ્ચે નરેન્દ્ર મોદીનાં પણ વખાણ કરીને કોંગ્રેસીઓના કચવાટ પેદા કરી નાખે છે. થરૂૂરના આ લેખને પણ એ જ શ્રેણીનો ભાગ ગણીને નહેરૂૂ-ગાંધી પરિવાર અને કોંગ્રેસની નેતાગીરી સામેના પ્રહારમાં ખપાવી દેવાયો છે. ભાજપે થરૂૂરના લેખને રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ સામે અસંતોષની નિશાની ગણાવ્યો છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાના કહેવા પ્રમાણે, શશી થરૂૂરની ટિપ્પણીઓ કોંગ્રેસના ભવિષ્ય વિશેની તેમની નિરાશાને વ્યક્ત કરનારી છે.
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ થરૂૂરના લેખને વખાણ્યો છે પણ તેના કારણે થરૂૂરના કોંગ્રેસમાં ભાવિ પર ખતરો હોવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.ભાજપે થરૂૂરના લેખનું નહેરૂૂ-ગાંધી ખાનદાન સામે હલ્લાબોલ તરીકે અર્થઘટન કર્યું એ ભાજપ માટે બરાબર છે કેમ કે કોંગ્રેસ ભાજપની રાજકીય હરીફ છે અને નહેરૂૂ-ગાંધી ખાનદાનને ગાળો આપવાથી ભાજપના ભક્તો ઝૂમી ઊઠે છે પણ થરૂૂરે માત્ર નહેરૂૂ-ગાંધી ખાનદાનની વાત નથી કરી. થરૂૂરે પોતાના લેખમાં ઓડિશાના બિજુ પટનાઈક અને નવીન પટનાયક, મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે, ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ અને અખિલેશ યાદવ, બિહારમાં રામવિલાસ અને ચિરાગ પાસવાન, બિહારમાં જ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ, પંજાબમાં પ્રકાશ સિંહ અને સુખબીર બાદલ, તેલંગાણામાં કેસીઆરના પુત્ર કે.ટી. રામારાવ અને પુત્રી કવિતા, તમિળનાડુમાં કરુણાનિધિ અને તેમના પુત્ર એમ.કે, સ્ટાલિનના પરિવારનો ઉલ્લેખ પણ કર્યો જ છે.
