કેરળની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સામે સોનિયા ગાંધીને મેદાનમાં ઉતાર્યા
મુન્નાર પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો
કેરળમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મહિલા ઉમેદવાર તેમના નામથી ચર્ચામાં આવ્યા છે. તેમનું નામ પણ સોનિયા ગાંધી છે અને પાર્ટીએ તેમને સીધા કોંગ્રેસના ઉમેદવાર સામે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે આ મુકાબલો ઘણો રોચક બની ગયો છે.
મીડિયા અહેવાલો મુજબ, આ મામલો કેરળના મુન્નાર પંચાયતની ચૂંટણીના નલ્લાથન્ની વોર્ડનો છે. ભાજપે અહીં 34 વર્ષીય સોનિયા ગાંધીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સોનિયા ગાંધીનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર મંજુલા રમેશ સામે થવા જઈ રહ્યો છે. આ બંને સિવાય, CPI-M(કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદી)ના નેતા વાલરમતિ પણ મેદાનમાં છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે ભાજપના આ ઉમેદવાર સોનિયા ગાંધી મૂળરૂૂપે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમનો જન્મ સ્થાનિક કોંગ્રેસ નેતા દૂરે રાજના ઘરે થયો હતો. જોકે, લગ્ન પછી તેમનો રાજકીય માર્ગ બદલાઈ ગયો.
સોનિયા ગાંધીના લગ્ન ભાજપના નેતા સુભાષ સાથે થયા છે, જે પોતે પાર્ટીના પંચાયત મહાસચિવ છે. લગ્નના થોડા સમય પછી સોનિયા ગાંધી પણ ભાજપમાં સક્રિય થઈ ગયા. આ તેમની પ્રથમ ચૂંટણી છે. નામ અને પક્ષનો આ અનોખો સંયોગ કેરળની પંચાયત ચૂંટણીઓને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવી રહ્યો છે.
કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં 9 અને 11 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને તેના પરિણામો 13 ડિસેમ્બરે જાહેર થશે.