For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીએએ નોટિફિકેશન જારી કરી ભાજપે એજન્ડા પૂરો કર્યો: હવે બંધારણ બદલશે?

01:08 PM Mar 12, 2024 IST | Bhumika
સીએએ નોટિફિકેશન જારી કરી ભાજપે એજન્ડા પૂરો કર્યો  હવે બંધારણ બદલશે

ભારતીય જનતા પાર્ટીએ સંશોધિત નાગરીકના કાયદાના અમલનું નોટિફિકેશન બહાર પાડી લગભગ તમામ ચુંટણી વચનો પુરા કર્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે ભાજપને લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મળે તો ભાજપ દેશનું બંધારણ બદલી નાખે ? ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ કરેલા નિવેદનના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં છે. હેગડેનો દાવો છે કે, કોગ્રેસની સરકારોએ બંધારણમાં બળજબરીથી બિનજરી ચીજો નાંખીને બંધારણને વિકૃત કરી નાખ્યું છે. કોંગ્રેસે હિંદુ સમાજને દબાવી દેવાના ઉદ્દેશથી કેટલાક કાયદા બનાવ્યા. કોંગ્રેસે કરેલા સુધારા કરેલા વણજોઈતા સુધારા અને તોડીમરોડીને બનાવેલા કાયદાને સરખા કરવા માટે બંધારણ સુધારવા ભાજપને લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂૂર છે. જો કે પક્ષે આ નિવેદનને વ્યકિતગત ગણાવી હાથ ખંખેરી નાખ્યા છે, પણ તેની છણાવટ જરૂરી છે. હેગડેએ ભાજપ બંધારણમાં શું ફેરફાર કરવા માગે છે તેનો ફોડ પાડ્યો નથી પણ વાત ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની છે એવું મનાય છે.

Advertisement

આપણું બંધારણ બન્યું ત્યારે તેની પ્રસ્તાવનામાં ભારત માટે સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક શબ્દ નહોતો વપરાયેલો. ઈન્દિરા ગાંધીએ પાછળથી બંધારણ સુધારીને તેમાં સેક્યુલર શબ્દ ઉમેર્યો. ભાજપ અને હિંદુવાદીઓને સેક્યુલર શબ્દ સામે વાંધો છે તેથી સૌથી પહેલાં તો એ શબ્દ જ દૂર કરાશે એવો હેગડેનો ઈશારો છે. હેગડેએ હિંદુઓને દબાવવા માટે બનાવાયેલા બીજા કાયદાઓની વાત કરી છે. આ કાયદા મુસ્લિમ સહિતના અલગ અલગ ધર્મનાં લોકો માટે બનાવાયેલા પર્સનલ લો હોઈ શકે છે. ભાજપના પેટમાં પાપ ન હોય તો તેણે હેગડેને માફી માગવાની ફરજ પાડીને ભવિષ્યમાં આ પ્રકારના લવારા નહીં કરે તેની લેખિતમાં ખાતરી લે કાં પછી ભાજપમાંથી લાત મારીને તગેડી મૂકે. હેગડે ભાજપના જૂના જોગી છે અને બેંગલુરમાંથી છ વાર લોકસભામાં ચૂંટાયા છે. હવે આવા માણસને ભાજપના નામે કંઈ પણ જૂઠાણું ચલાવી દેતાં છોછ ના નડતો હોય તો ભાજપને પણ તેમને તગેડી મૂકવામાં કોઈ છોછ ના નડવો જોઈએ કેમ કે સવાલ ભાજપની વિશ્વાસનિયતાનો છે. ભાજપ આકરાં પગલાં ના લે તેના કારણે એવી છાપ પડશે કે, ભાજપ એક બાજુ હેગડે જેવા નમૂનાઓને પોષે છે ને બીજી બાજુ બંધારણના જતનની સૂફિયાણી વાતો કરે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement