બિશ્ર્નોઇ ગેંગની ખુલ્લી ચેલેન્જ, મુંબઇ પોલીસની હાલત બગડશે
મુંબઈમાં શનિવારે અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવાઈ એ ઘટનાએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ પેદા કરી દીધો છે. સાથે સાથે એકનાથ શિંદે સરકારની ક્ષમતા સામે પણ પ્રશ્ર્નાર્થ ઊભો કરી દીધો છે કેમ કે સિદ્દીકી સત્તાધારી મોરચાના નેતા હતા. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ માટે તો વધારે શરમજનક વાત એ છે કે, લોરેન્સ બિશ્ર્નોઈએ ડંકે કી ચોટ પર એલાન કરીને બાબા સિદ્દીકીની હત્યા કરી છે. લોરેન્સ બિશ્ર્નોઈએ બાબા સિદ્દીકીને સીધી ધમકી નહોતી આપી પણ સલમાન ખાનને ધમકી આપી હતી. બિશ્ર્નોઈ સમાજ માટે પવિત્ર મનાતા કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાન દોષિત ઠર્યો છે. લોરેન્સ બિશ્ર્નોઈએ સલમાનને આ મહાપાપ બદલ જોધપુર આવીને બિશ્ર્નોઈ સમાજની મહાપંચાયત સામે માફી માગવા કહેલું. મુંબઈ પોલીસનું નાક વાઢી લેતાં લોરેન્સે મુંબઈ પોલીસને નવી ચેલેન્જ ફેંકી દીધી છે. લોરેન્સ બિશ્ર્નોઈએ બાબા સિદ્દીકીની હત્યા પછી તેની જવાબદારી પોતે લીધી છે.
લોરેન્સના દાવા પ્રમાણે, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયેલું. અનુજ થાપને આપઘાત કરી લીધો હતો એવો પોલીસનો દાવો છે પણ લોરેન્સ ગેંગ આ વાત સ્વીકારવા તૈયાર નથી. લોરેન્સ બિશ્ર્નોઈએ એલાન કર્યું છે કે, પોતે સલમાન ખાન સામે જંગ કરવા નહોતો માગતો પણ સલમાને વિકલ્પ છોડ્યો નથી તેથી હવે જંગ થશે. બાબા સિદ્દીકીની હત્યા દાઉદ ઈબ્રાહીમ સાથેના સંબંધોના કારણે થઈ છે અને દાઉદ સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ હવે મરશે. મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્ર્નોઈની ચેલેન્જ સામે શું કરી શકે છે એ સવાલ છે કેમ કે લોરેન્સ નાનો ટપોરી નથી પણ મોટો ગેંગસ્ટર છે. મુબઈના અંડરવર્લ્ડમાં વરસોથી દાઉદ ઈબ્રાહીમની ગેંગનું વર્ચસ્વ છે. વચ્ચે વચ્ચે ઘણા ગેંગસ્ટર આવી ગયા પણ દાઉદનો દબદબો યથાવત છે.
ધનિકો પાસેથી ખંડણી ઉઘરાવવાથી માંડીને તમામ પ્રકારના ગેરકાયદેસર ધંધામાં હજુય મુંબઈમાં દાઉદનું વર્ચસ્વ છે. લોરેન્સ બિશ્ર્નોઈએ એ વર્ચસ્વને ખતમ કરવાની ચેલેન્જ આપી છે તેના કારણે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાના નવા પ્રશ્ર્નો ઊભા થશે. લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ દેશભરમાં મોટા મોટા અપરાધો કરી રહી છે અને તેનું નેટવર્ક ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. આતંકવાદ સામે લડતી નેશનલ એજન્સી એનઆઈએ જે રીતે દાઉદ ઈબ્રાહીમની પાછળ પડેલી છે એ જ રીતે એનઆઈએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને તેની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. એનઆઇએ એ ટેરર કેસમાં લોરેન્સ બિશ્ર્નોઈ સામે જે ચાર્જશીટ મૂકી છે એ પ્રમાણે, લોરેન્સ બિશ્ર્નોઈ અને તેની આતંકવાદી સિન્ડિકેટ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહી છે. બિશ્ર્નોઈ ગેંગનું સામ્રાજ્ય પહેલા પંજાબ સુધી જ સીમિત હતું પણ ધીરે-ધીરે બિશ્ર્નોઈએ તેને વિસ્તારવાનું શરૂૂ કરી દીધું. બિશ્ર્નોઈએ ગોલ્ડી બ્રાર સાથે હાથ મિલાવીને એક મોટી ગેંગ ઊભી કરી દીધી.
આ કારણે બિશ્ર્નોઈ ગેંગનું નેટવર્ક માત્ર પંજાબ જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સુધી વિસ્તરી ચૂક્યું છે. આ રાજ્યોમાંથી શૂટર્સને મોકલીને બિશ્ર્નોઈ પોતાનાં કામ કરાવે છે તેથી તેને અંકુશમાં રાખવો અઘરો છે. મુંબઈ પોલીસ માટે આ ગેંગ મોટો પડકાર બની શકે છે. કેટલાક લોકો માને છે કે, લોરેન્સ બિશ્ર્નોઈ એનઆઈએનું જ પ્યાદું છે અને તેના ઈશારે જ દાઉદ ઈબ્રાહીમ ગેંગનો ખાતમો કરવા મેદાનમાં આવ્યો છે. લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનું નેટવર્ક રશિયા, અમેરિકા, પોર્ટુગલ, યુએઇ અને અજરબૈજાન સુધી ફેલાયેલું છે. તેનો ઉપયોગ એનઆઈએ કરી રહ્યું છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ એવું હોય તો મુંબઈ પોલીસ માટે તો વધારે મોટી ચેલેન્જ છે કેમ કે દાઉદ ઈબ્રાહીમનું નેટવર્ક મુંબઈમાં પણ ફેલાયેલું છે. મુંબઈમાં જ તેના સૌથી વધારે માણસો છે એ જોતાં લોરેન્સનું પહેલું ટાર્ગેટ તો મુંબઈ જ હશે.