બિહાર ચૂંટણી: બન્ને ગઠબંધનમાં એક અનાર સો બીમાર
એનડીએ અને મહાગઠબંધનના મોટા પક્ષો વચ્ચે બેઠક વહેંચણીના ઝાઝા મતભેદો નથી, નાના પક્ષો મ્હોં ફાડી ઉભા છે: એનડીએ માટે પાસવાન, મહાગઠબંધન માટે સાહની મોટો દુખાવો
બિહાર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ ગઇકાલે જાહેર થયા પછી શાસક એનડીએ અને હરીફ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. નોંધપાત્ર છે કે બન્ને મોરચાના મુખ્યપક્ષો વચ્ચે મોટો ઝઘડો નથી પણ નાના પક્ષો ચકલી નાની ને ફૈડકો મોટો ઉક્તિ મુજબ મોઢું ફાડી ઉભા છે. 243 ધારાસભ્યોવાળી વિધાનસભામાં કેન્દ્રીય મંત્રી અને એલજેપીના નેતા ચિરાગ પાસપવાન 40 બેઠકો માગી રહ્યા છે. ભાજપ તેમને 25 બેઠકોથી વધુ બેઠક આપવા તૈયાર નથી.
એ જ રીતે મહાગઠબંધનમાં કોંગ્રેસ-આરજેડી વચ્ચે ઝાઝા મતભેદો નથી પણ ઘટક પક્ષ વીઆઇપીના મુકેશ સાહની નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાંત 40 બેઠકો માંગી રહ્યા છે. ડાબેરી પક્ષો પણ ત્રાગુ કરી રહ્યા છે. આમ કહેવત મુજબ એક અનાર સો બીમાર જેવી હાલત છે. એનડીએ સાથે રહેલા ચિરાગ પાસવાને સુત્રો દ્વારા સમાચાર ફેલાવી નાક દબાવવા પ્રયાસ કર્યો છે કે પ્રશાંત કિશોર સાથે હાથ મિલાવવાનો વિકલ્પ ખુલ્લો છે.
જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને જણાવ્યું હતું કે મહાગઠબંધન હજુ સુધી બેઠકોની વહેંચણીના કરારને અંતિમ સ્વરૂૂપ આપી શક્યું નથી. ખરેખર, હજુ શરૂૂઆતના દિવસો છે, અને બેઠકોની વહેંચણી અંગે નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.
બીજી તરફ, એવા દાવા થઈ રહ્યા હતા કે વિપક્ષી મહાગઠબંધનમાં સીટ-શેરિંગ ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે, પરંતુ હવે આ તિરાડ વધતી દેખાય છે.
રવિવારે મોડી રાત્રે, તેજસ્વી યાદવના નિવાસસ્થાને મળેલી મહાગઠબંધનની બેઠક બાદ, મુકેશ સાહનીએ દાવો કર્યો હતો કે સોદો નક્કી થઈ ગયો છે અને બે દિવસમાં તેની જાહેરાત કરવામાં આવશે. હવે, એ જ મુકેશ સાહની નારાજ દેખાય છે.મહાગઠબંધનમાં હાલમાં આરજેડી અને કોંગ્રેસ, ત્રણ ડાબેરી પક્ષો અને મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)નો સમાવેશ થાય છે. પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી અને હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચાનો ગઠબંધનમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવે છે, જોકે સત્તાવાર જાહેરાત બાકી છે.
સૂત્રો સૂચવે છે કે તેજસ્વી યાદવે મુકેશ સાહનીની પાર્ટીને 12 બેઠકો ઓફર કરી છે. સીપીઆઈ (એમએલ) પણ આરજેડીની ઓફરથી નાખુશ છે. એક દિવસ પહેલા યોજાયેલી બેઠકમાં તેજસ્વી યાદવે સીપીઆઈ (એમએલ) ને 19 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો સીપીઆઈ (એમએલ) અસંમત હતો.
મતદાર યાદી સુધારણા મામલે સુપ્રિમમાં સુનાવણી ફરી શરૂ
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરી હતી. તેને પડકારતી સંખ્યાબંધ અરજીઓની આજે સુપ્રિમ કોર્ટ ફરી સુનાવણી શરૂ થઇ હતી. મતદાર યાદીના અંતિમ પ્રકાશન પછી આ મામલો હાથ ધરવા સુપ્રિમે અગાઉ જાહેરાત કરી હતી એ મુજબ સુનાવણી થઇ રહી છે. મતદાર યાદીમાંથી હજારો મતદારોના નામ કમી કરાયા બાબતે અરજદારના વકીલો દલીલ કરી રહ્યા છે.