બિહારની ચૂંટણીના પરિણામો કલ્પનાતીત, છતાં દેશના રાજકારણ પર દૂરગામી અસરો જોવા મળશે
બિહાર ધારાસભાની ચુંટણીઓના પરિણામો કોઇ ગરબડ થવાની શંકા ન રાખીએ તો કલ્પનાતીત છે. ચુંટણી પહેલાનાં ઓપિનીયન પોલ્સ અને મતદાન પછીના એકિઝટ પોલ્સ મુજબ એનડીએના વિજયની ધારણા હતી, પણ કોઇ પાર્ટી 90-95 ટકા જેટલા સ્ટ્રાઇક રેટ સાથે બેઠકો મેળવે તેવું દેશના રાજકારણમાં કદી બન્યું નથી. દેખીતી રીતે જ બિહારના પરિણામો આગામી વર્ષે યોજાનારી બંગાળ, તામિલનાડુની વિધાનસભા ચુંટણીઓને અસર કરશે જ. વડાપ્રધાન મોદીએ આનો સંકેત આપી દીધો છે. 2024ની લોકસભાની ચુંટણીમાં મળેલી પછડાટ ભાજપ-એનડીએ ભુલાવી દીધી છે હાલપુરતો સવાલ બિહારમાં સત્તાના સમીકરણો કેવા રચાય છે તે છે.
ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો તો જેડીયુને પણ બમ્પર કલેક્શન મળ્યું છે. જેડીયુની સરખામણીમાં ભાજપની બેઠકો બહુ ના વધી તેનું કારણ એ કે, ભાજપ 101 બેઠક પર જ લડ્યો હતો. ભાજપ પાસે બહુ વધારે બેઠકો જીતવાનો ચાન્સ નહોતો છતાં ભાજપે પોતાની બેઠકોમાં તોતિંગ વધારો કર્યો એ મોટી વાત છે તેથી તેનો દેખાવ જબરદસ્ત જ છે. નીતીશનો દેખાવ પણ નોંધપાત્ર એ રીતે ગણાય કે, વિરોધી માહોલ છતાં નીતીશ જીતી ગયા છે. નીતીશ કુમાર સામા પ્રવાહે તરીને કિંગ સાબિત થયા છે. તેના કારણે 2020ની ચૂંટણીમાં માત્ર 43 બેઠક જીતનારી જેડીયુ 84 બેઠક જીતી છે અને તેની બેઠકો લગભગ બમણી થઈ ગઈ છે. આ જીત પછી નીતીશ ફરી મુખ્યમંત્રી બનશે એવું કહેવાય છે પણ પરિણામો જોતાં ભાજપ નીતીશને કોરાણે મૂકી દે એવું બની શકે. ભાજપની પોતાની 95 બેઠક છે અને નીતીશના વિરોધી ચિરાગ પાસવાનની 20 બેઠકો છે એ જોતાં ભાજપને બહુમતી માટે બીજી સાત બેઠકો જોઈએ. જીતનરામ માંઝીની પાંચ બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની ચાર બેઠક ઉમેરો તો ભાજપ બહુમતીના આંકડાએ સરળતાથી પહોંચી જાય એ જોતાં ભાજપ નીતીશની ગેમ કરી નાંખવાનો મોટો દાવ ખેલી શકે છે.
નીતીશ પાસે લોકસભામાં 12 સભ્યો છે અને નરેન્દ્ર મોદી સરકાર નીતીશના ટેકાથી ટકેલી છે તેથી ભાજપ એવું જોખમ ઉઠાવશે કે નહીં એ ખબર નથી પણ ભાજપે એક વાર નીતીશને કોરાણે મૂકવાનો દાવ ખેલી નાખવા જેવો તો છે જ. નીતીશ 20 વર્ષથી બિહારમાં સત્તામાં છે પણ એ કશું ઉકાળી શક્યા નથી એ જોતાં ભાજપે બિહારની પ્રજાનો નીતીશની નાગચૂડમાંથી મોક્ષ કરાવવાની તક ઝડપી લેવી જોઈએ. બિહારની ચૂંટણીના નાના નાના પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને કિંગ મેકર બનવાનાં તેમનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. 2020ની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુની કુલ બેઠકોનો આંકડો 110ની આસપાસ થતો હતો તેથી મુકેશ સાહની, જીતનરામ માંઝી વગેરે ઉચકૂચિયા નેતાઓની કદમબોસી કરવી પડેલી. આ વખતે એવી સ્થિતિ જ નથી અને મોટા પક્ષોનો દબદબો છે. બિહારની 243 લોકસભા બેઠકમાંથી લગભગ 200 જેટલી બેઠક ભાજપ, જેડીયુ અને આરજેડી પાસે જ છે.