ચાંદી બજારમાં મોટી ઉથલપાથલ, વેપારમાં અંધાધૂંધી
આગઝરતી તેજીના કારણે ભારે અસમંજસની સ્થિતિ, મોટું કરેકશન ન આવે તો સિલ્વર માર્કેટની દિવાળી બગડવાનો ખતરો
ગમે ત્યારે કડાકો બોલવાના ભયે લોંગટર્મ ઇન્વેસ્ટરો સિવાયની ખરીદી બંધ, મોટાભાગનો વેપાર ઠપ, ઉંચા ભાવોના કારણે ચાંદીના ઘરેણાનું બજાર પણ મંદીમાં
છેલ્લા છ માસથી ચાંદીના ભાવમા ચાલતી આગ ઝરતી તેજીના કારણ રાજકોટ સહિતના સિલ્વર બજારોમા ચાંદીના વેપારમાં ભારે અંધાધુંધી જોવા મળી રહી છે અને વેપારીઓ ઉચ્ચક જીવે બજાર સ્થિર થવાની રાહ જોઇને બેઠા છે ચાંદીના ભાવમા સતત વધારાના કારણે વેપાર - ધંધા ઠપ થઇ ગયા છે અને લાંબા ગાળાના ઇન્વેસ્ટરો સિવાયના ગ્રાહકો ગુમ થઇ ગયા છે ત્યારે આગામી દિવાળી સુધીમા ચાંદીના ભાવોમા મોટુ કરેકશન આવે નહીં તો ચાંદી બજારની દિવાળી બગડવાનુ નિશ્ર્ચિત મનાય છે દિવાળી બાદ પણ તેજી ચાલુ રહે તો અનેક વેપારીઓ દેવાળુ ફૂંકે તેવો ભય પણ વ્યકત કરવામા આવી રહયો છે.
ચાંદીના ભાવમા છેલ્લા આઠેક માસમાં જ પ7 ટકા જેવી અભૂતપૂર્વ તેજીના કારણે ચાંદીના વેપારીઓ પણ કોઇ અનુમાન લગાવી શકતા નથી. કોઇ વેપારીઓ મોટો કડાકો આવવાનુ અનુમાન લગાવી રહયા છે તો અમુક વેપારીઓ આગામી ડિસેમ્બર - માર્ચ સુધીમા ચાંદીનો ભાવ બે લાખ બતાવી રહયા છે. પરંતુ વેપારમા અનુમાનો અને અટકળોના કારણે અંધાધુંધી જેવી સ્થિતિ છે.
વેપારીઓનુ કહેવુ છે , હાલની સ્થિતિમા ભાવો સતત વધી રહયા છે અને બજાર એકદમ જોખમી તબકકામા પ્રવેશી ચુકયુ છે ત્યારે જરૂરીયાત પૂરતો જ ધંધો કરવામા શાણપણ છે . જો મોટો જથ્થો ખરીદાઇ જાય અને બજાર તુટી પડે તો આપઘાત કરવાનો પણ વારો આવી શકે છે.
હાલ બજારમા ગમે ત્યારે કડાકો બોલવાના ભયે લોંગટર્મ ઇન્વેસ્ટરો સિવાય કોઇની ખરીદી જોવા મળતી નથી . જે લોકોને પ્રસંગોપાત જરૂરીયાત છે તેવા લોકો ઘરેણાની ખરીદી કરે છે પરંતુ ચાંદી બજાર માટે આ ખરીદી ખાસ કંઇ અસર કરતી નથી . અત્યારે નવરાત્રીમા લ્હાણીના કારણે ચાંદીની ખરીદી થતી હોય છે પરંતુ આ વર્ષે ઉંચા ભાવોના કારણે આ સિજનલ ખરીદી પણ ખૂબ ઓછી છે.
ચાંદીના ભાવોમાં એક વર્ષમાં થયેલી ઉથલ પાથલ ઉપર નજર કરીએ તો કિલોએ રૂા.55 હજારનો વધારો નોંધાયો છે. ગત તા.30/09/2024ના રોજ ચાંદીનો એક કિલોનો ભાવ રૂા.90500 હતો. જયારે ગઇ તા.29/09/2025ના રોજ એક કિલો ચાંદીનો ભાવ રૂા.1.46 લાખે પહોંચી ગયો છે. માત્ર એક વર્ષમાં ભાવમાં આવેલા આ અસાધારણ વધારાના કારણે વેપાર સંપુર્ણ અસ્થિર થઇ ગયો છે. હાલ બજારને ખુબ જ રિસ્કી સ્ટેજમાં ગણવામાં આવી રહ્યું છે.
રાજકોટનો ખેલાડી દુબઇમાં 300 કરોડમાં ઉઠ્યો
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને પંદરેક વર્ષ અગાઉ બીજાની આઇ.ડી. ઉપર ચાંદીનો વેપાર સંભાળતા શખ્સે સટ્ટામાં 25 કરોડનું ફુલેકુ ફેરવ્યા બાદ દુબઇ નાસી ગયો હતો. ઓનલાઇન વેપારમાં મહારત ધરાવતા આ શખ્સે દુબઇની એક કંપનીમાં પણ ઓનલાઇન વેપારમાં રૂા.300 કરોડનું કરી નાખ્યાની ચર્ચા છે. આ ‘ખેલાડી’એ ચાંદીના ઓનલાઇન વેપારમાં કંપનીના માલિકને વિશ્વાસમાં લીધા વગર મોટુ વેચાણ બતાવી દીધુ હતું પરંતુ ભાવોમાં એકધારો વધારો થતા આશરે રૂા.300 કરોડનું નુકશાન આવ્યું હતું. હવે આ શખ્સ દુબઇની કાયદાકીય ચુંગાલમાં ફસાયો હોવાનું જાણવા મળે છે.
દિવાળી બાદ બેનંબરી સટ્ટામાં મોટા ડખ્ખા શરૂ થવાનો ભય
ચાંદીના ભાવોમા આવેલા અસાધારણ ભાવ વધારાના કારણે બેનંબરી ડબાવાળાને ત્યા ચાલતા કરોડો રૂપિયાના ચાંદીના સટ્ટામા પણ મોટી ઉથલ પાથલ જોવાઇ રહી છે. દિવાળી સુધીમા ચાંદીના ભાવમા મોટુ કરેકશન આવે નહીં તો સટોડિયાઓના વ્યવહાર ખોરવાઇ જવાનો તેમજ દિવાળી બાદ મોટા ડખા શરૂ થવાના ખતરો છે.
ડબાવાળાઓનુ કહેવુ છે કે , ચાલુ વર્ષે દિવાળી સુધીમા ચાંદીનો ભાવ 1.25 લાખનો ભાવ પહોંચવાનો અંદાજ હતો પરંતુ આ ભાવ એક મહિના વહેલો આવી જતા મોટા કડાકાની અપેક્ષાઓ સટોડીયાઓએ ડબામા મોટા પ્રમાણમા ચાંદીના વેચાણના સોદા કર્યા છે પરંતુ ભાવ હવે દોઢ લાખ નજીક પહોંચી જતા વેચાણ ઉભુ રાખનાર સટોડીયાઓને મોટી નુકશાનીનુ જોખમ છે ત્યારે દિવાળી સુધીમા મોટુ કરેકશન ન આવે તો દિવાળી બાદ ચાંદીના સટ્ટા બજારમા મોટા ડખા થવાનુ નકકી છે.
2025ના વર્ષમાં સોનુ 53 ટકા વધ્યું
રોકાણકારો માટે સોનુ સૌથી શ્રેષ્ઠ રોકાણનું માધ્યમ બની રહ્યું છે. 2025ના વર્ષમાં જ સોનામાં 53 ટકાનો અને ચાંદીમાં 56 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો સોનામાં 55 ટકા, ચાલુ વર્ષમાં 53 ટકા અને સપ્ટેમ્બરમાં 14 ટકા સોનામાં વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ 56 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
સપ્ટેમ્બરમાં સોનુ
1 સપ્ટેમ્બર 1,05,937
5 સપ્ટેમ્બર 1,07,807
15 સપ્ટેમ્બર 1,10,330
22 સપ્ટેમ્બર 1,20,295
26 સપ્ટેમ્બર 1,15,074
30 સપ્ટેમ્બર 1,17,788