મહાશિવરાત્રીના અવસરે શિવ શોભાયાત્રામાં મોટી દુર્ઘટના, કોટામાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝ્યાં
રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીના અવસરે એક શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 જેટલા બાળકો દાઝી ગયા હતા. જેના લીધે અફરા તફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ઘટના બાદ તાત્કાલિક ધોરણે બાળકોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. અહીં ડૉક્ટરો હાલ તેમની સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી.
#WATCH | Rajasthan: Several children were electrocuted during a procession on the occasion of Mahashivratri, in Kota. Further details awaited. pic.twitter.com/F5srBhO9kz
— ANI (@ANI) March 8, 2024
નોંધનીય છે કે કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાશિવરાત્રીના અવસર પર એક શિવ શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી, જ્યાં અચાનક વીજળીનો કરંટ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. જેના કારણે શિવ શોભાયાત્રામાં ભાગ લેનાર 14થી વધુ બાળકો દાઝી ગયા હતા. મામલો સાગતપુરા સ્થિત કાલી બસ્તીનો છે. મળતી માહિતી મુજબ, યાત્રા દરમિયાન અનેક બાળકો ધાર્મિક ઝંડા લઈને આવ્યા હતા. આ દરમિયાન ધ્વજ હાઇ ટેન્શન લાઇનને સ્પર્શ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાંથી શિવ શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યાંથી પાણી ફેલાઈ ગયું હતું. જેના કારણે કરંટ ઝડપથી ફેલાઈ ગયો. તમામ બાળકોને કોટાની MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી છે. તંત્રએ પણ આ મામલે મેડિકલ ટીમને એલર્ટ કરી દીધું હતું. ઈજાગ્રસ્ત બાળકોના માતા-પિતા આ ઘટનાથી રોષે ભરાયા હતા અને તેમણે યાત્રાનું આયોજન કરનારા લોકોની ધોલાઈ કરી નાખી હતી.