આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR
આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26) માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. આવકવેરા વિભાગે X (પૂર્વ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મની સૂચના જાહેર કરવામાં વિલંબ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગે પોતે આ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું હતું કે 'ટેક્સપેયર્સ કૃપા કરીને નોંધ લો! CBDT એ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ તે 31 જુલાઈ 2025 હતી. આ ડેડલાઈનમાં વધારો ITR ફોર્મમાં મહત્ત્વના સુધારા, સિસ્ટમ ડેવલપમેન્ટ જરૂરિયાતો અને TDS ક્રેડિટ પ્રતિબિંબને કારણે આપવામાં આવ્યો છે. જે તમામ માટે એક સરળ અને વધુ સચોટ ફાઇલિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે. આ અંગે ઔપચારિક સૂચના પછીથી આપવામાં આવશે.'
આ વર્ષે ITR ફોર્મમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ સુધારાઓ, ફાઇલિંગ સિસ્ટમમાં જરૂરી ગોઠવણો અને TDS ક્રેડિટ રિફ્લેક્શનમાં વિલંબને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ITR સમયમર્યાદા તમામ શ્રેણીના કરદાતાઓ માટે એક સરળ અને વધુ સચોટ ટેક્સ ફાઇલિંગ અનુભવ સુનિશ્ચિત કરવા માટે છે.
31 જુલાઈ, 2025 ના રોજ ITR ફાઇલિંગ, મોટા ભાગના સામાન્ય કરદાતાને લાગુ પડે છે. આમાં મોટાભાગના પગારદાર કર્મચારીઓ અને તમામ ટેક્સપેયર્સનો સમાવેશ થાય છે, જેમના ખાતાનું ઓડિટ કરવું જરૂરી નથી. પગારદાર કર્મચારીઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે 46 વધારાના દિવસ મળશે. જો છેલ્લી તારીખ સુધીમાં ITR ફાઇલ કરવામાં ન આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.