રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હરિયાણામાં ભાજપ માટે સાફસૂફીની મોટી તક

12:40 PM Sep 07, 2024 IST | admin
Advertisement

એક સમયે આયારામ ગયારામ એટલે કે પક્ષપલટુઓ માટે પંકાયેલું હરિયાણા ફરી અસલી રંગમાં આવી રહ્યું છે અને વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટાનો દૌર શરૂૂ થઈ ગયો છે. આ પક્ષપલટામાં સૌથી વધારે અસર ભાજપને થઈ રહી છે.

Advertisement

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે થવાની છે અને આ માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થતાં જ બગાવતની સ્થિતિ પેદા થઈ ગઈ છે.ભાજપની પહેલી યાદી જાહેર થયાના 48 કલાકથી ઓછા સમયમાં 40 જેટલા મોટા મનાતા નેતાઓએ ભાજપને અલવિદા કહી દીધું છે. ભાજપે ગયા વખતે ટિકિટ આપેલી તેમાંથી 40 જેટલા નેતાઓને આ વખતે કાપી નાખ્યા છે ને તેમાં 3 મંત્રી પણ છે.

ભાજપે પહેલી યાદી જાહેર કરી રાજીનામાં આપનારામાં 1 મંત્રી, 1 ધારાસભ્ય, 5 પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે અને તેમાં સૌથી મોટું નામ હરિયાણાના ઊર્જા મંત્રી રણજિત ચૌટાલાનું છે. ચૌટાલાનું પત્તું ભાજપે કાપ્યું એ સાથે જ ચૌટાલાએ પોતાના સમર્થકોની બેઠક બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી નાખી. દેશની ધનિક મહિલામાં ટોપ ટેનમાં સ્થાન ધરાવતાં સાવિત્રી જિંદાલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સાવિત્રી જિંદાલ ભાજપના સાંસદ નવીન જિંદાલનાં માતા છે કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં છે.

આ સિવાય ફતેહાબાદની રતિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ટિકિટ ન મળતાં રાજીનામું આપી દીધું છે. નાપાએ અડધી રાત્રે ભાજપ પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને સવારે છ વાગે તો દિલ્હીમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડાના ઘરે પહોંચી જતાં નાપા કોંગ્રેસમાં જોડાશે એ નક્કી છે. ભાજપની છાપ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે અને તેમાં આટલા મોટા પાયે બળવો થાય એ વાત ચોંકાવનારી છે પણ તેના માટે ભાજપ જ જવાબદાર છે. ભાજપને હાથનાં કર્યાં હૈયે લાગી રહ્યાં છે એમ કહી શકાય. ભાજપે સત્તાને ખાતર કરેલા ભરતી મેળાનું આ પરિણામ છે.

જે લોકો ભાજપ છોડી રહ્યા છે તેમાંથી મોટા ભાગનાં લોકો એવાં છે કે જેમને ભાજપની વિચારધારા કે શિસ્ત સાથે કંઈ લેવાદેવા નથી. બલ્કે ભાજપ સાથે જ કંઈ લેેવાદેવા નહોતી પણ ભાજપ સત્તા ખાતર હાથ-પગ જોડીને તેમને લઈ આવેલો. સત્તા હતી ત્યાં સુધી એ લોકો ભાજપ સાથે રહ્યાં, હવે ભાજપ તેમને ટિકિટ નથી આપી રહ્યો ને સત્તામાં ભાગીદાર બનાવવા તૈયાર નથી એટલે ભાજપ છોડી રહ્યા છે. હરિયાણામાં ભાજપ જીતવાનો નથી એવી હવા જામેલી છે એ પણ ભાજપમાંથી મોટા પાયે રાજીનામાં પડી રહ્યાં છે તેનું એક કારણ છે.

ભાજપે 2014 અમે 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં તમામ 10 બેઠકો જીતી હતી પણ 2024માં ચિત્ર બદલાઈ ગયું. 2024માં હરિયાણાની 10 બેઠકોમાંથી 5 બેઠકો ભાજપ જીત્યો જ્યારે 5 બેઠકો કોંગ્રેસે જીતી છે. આ કારણે કોંગ્રેસ જોરદાર ફોર્મમાં છે અને ભાજપ ડાઉન છે. કોંગ્રેસ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા પણ તૈયાર છે. હરિયાણા વિધાનસભાની 90 બેઠકોમાંથી કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 7 બેઠકો આપવા તૈયાર છે જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીને 10 બેઠકો જોઈએ છે .

તેમાં કોકડું ગૂંચવાયું છે પણ આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવું લાગે છે. અત્યારે જે હાલત છે તેમાં ભાજપ મુશ્કેલીમાં લાગી રહ્યો છે પણ વાસ્તવમાં ભાજપ માટે આ આશીર્વાદરૂૂપ સ્થિતિ છે. અત્યારે ભાજપમાંથી કચરો સાફ થઈ રહ્યો છે અને ભાજપના પાયાના કાર્યકરો જ પક્ષમાં રહેશે એવું લાગે છે. ભાજપે આ કાર્યકરોને મહત્ત્વ આપીને સંગઠનને મજબૂત બનાવવું જોઈએ. ભાજપની યાદીમાં પક્ષપલટુઓ મોટા પ્રમાણમાં છે પણ એ છતાં ભાજપ ભવિષ્યમાં પક્ષપલટુઓને મહત્ત્વ નહીં આપવાનું વચન આપીને પોતાના કાર્યકરોને સાચવી લે તો હરિયાણા ગુમાવવાનો વારો નહીં આવે.

Tags :
BJPclean up in Haryanaindiaindia news
Advertisement
Next Article
Advertisement