વિધાનસભા ચૂંટણી પૂર્વે કઠુઆમાં મોટું ઓપરેશન, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય સેનાની વિશેષ દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.1 પેરાશૂટ બટાલિયન, 22 ગઢવાલ રાઈફલ્સ અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન 3 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈ 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં મતદાન શરૂૂ થશે. ચૂંટણી પહેલાં વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળોએ આ ઓપરેશન હાથ ધર્યું છે. ગયા મહિને, જમ્મુ અને કાશ્મીર પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા જેઓ કઠુઆ જિલ્લાના ઉચ્ચ પ્રદેશોમાં ધોક્સ (માટીના મકાનો) માં જોવા મળ્યા હતા. પોલીસે તેના વિશે વિશ્વસનીય માહિતી આપનારને 20 લાખ રૂૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
8 જુલાઈના રોજ કઠુઆ જિલ્લાના માચેડીના દૂરના જંગલ વિસ્તારમાં સેનાના પેટ્રોલિંગ પર આતંકવાદીઓ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત 5 જવાનો શહીદ થયા હતા. વ્યાપક સર્ચ ઓપરેશન છતાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા કાશ્મીર ટાઈગર્સના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. તેઓ પાકિસ્તાનથી ભારતમાં ઘૂસણખોરી કરી આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, ચૂંટણીના કારણે આતંકવાદી ગતિવિધિઓમાં અચાનક વધારો થઈ રહ્યો છે. અહીં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરે થશે. આ કારણે ગુપ્તચર એજન્સીઓને રાજ્યના ઘણા ભાગોમાં આતંકવાદી હિલચાલની માહિતી મળી હતી, જેમાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી અને કૈલાશ કુંડ યાત્રા પર હુમલાની શક્યતા છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ સુરક્ષા દળો અને પોલીસની જગ્યાઓ પર પણ હુમલો કરી શકે છે.