શ્રાવણ માસના સોમવારે બિહારમાં મોટી દુર્ઘટના, જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગથી 8નાં મોત, 35 ઘાયલ
શ્રાવણના ચોથા સોમવારે બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ મહીલા સહીત આઠ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે 35થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઘણા ભક્તોની હાલત નાજુક છે. આ ઘટના જહાનાબાદના મખદુમપુર સ્થિત વણવર બાબા સિદ્ધેશ્વરનાથના મંદિરમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ ભક્તો ભોલેનાથના જલાભિષેક માટે સાવનના ચોથા સોમવારે મંદિરમાં એકઠા થયા હતા. જો કે મંદિરમાં નાસભાગ કેવી રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જહાનાબાદના એસએચઓ દિવાકર વિશ્વકર્માએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ એસપી અને ડીએમએ પોતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના જલાભિષેક દરમિયાન બની હતી. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
અન્ય ઘાયલ લોકોના જણાવ્યા અનુસાર, જો કે આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે, પરંતુ સાવન મહિનામાં આ ભીડ વધુ વધી જાય છે. ખાસ કરીને સોમવારે મંદિરમાં જળાભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે. આ વખતે પણ સાવનના ચોથા સોમવારે ભોલેનાથના જલાભિષેક માટે રવિવારે રાત્રે 10 વાગ્યાથી જ કતારો લાગી ગઈ હતી. 12.30 પછી લોકો શિવલિંગ તરફ જવા લાગ્યા. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને આ અકસ્માત થયો હતો.