બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામમાં આજે સવારે એક દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે અન્ય આઠ ઘાયલ થયા છે. મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત થયુ હતું.
મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના અયોધ્યાના રહેવાસી શ્યામલાલ કૌશલ તરીકે થઈ છે. તેમના જમાઈ રાજેશ કુમાર કૌશલે જણાવ્યું હતું કે તંબુમાંથી લોખંડનો એંગલ માથામાં વાગતાં શ્યામલાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં રાજેશ કુમાર કૌશલ અને સૌમ્યા, પારુલ અને ઉન્નતી સહિત અન્ય પરિવારના સભ્યો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજેશે જણાવ્યું હતું કે તેઓ બુધવારે રાત્રે તેમના પરિવારના 6 સભ્યો સાથે અયોધ્યાથી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. શુક્રવારે ધામના પીઠાધીશેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ છે અને તેઓ ગુરુવારે સવારે તેમને મળવા આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલના ડો. નરેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મૃતકને બાગેશ્વર ધામથી લાવવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યોએ કહ્યું છે કે આ અકસ્માત તંબુ તૂટી પડવાને કારણે થયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે.
અકસ્માત સમયે ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યું કે અમે બધા સ્ટેજ પાસે ઉભા હતા, વરસાદ પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં, અમે વરસાદથી બચવા માટે તંબુમાં આવ્યા. પાણી ભરાઈ જવાથી તંબુ નીચે પડી ગયો. જેના કારણે નાસભાગ મચી ગઈ અને લગભગ 20 લોકો તંબુ નીચે દટાઈ ગયા. આ અકસ્માત બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પહેલા થયો હતો, જેમાં એક ભક્તનું મોત થયું હતું.