યુપીના હાથરસમાં ભોલેબાબાના સત્સંગમાં નાસભાગ: 120થી વધુના મોત, CM યોગીએ આપ્યા આદેશ
ઉત્તર પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગને કારણે 120થી વધુ લોકોના મોત થયા હતા. આ સત્સંગનું આયોજન આજે સિકંદરા રાઉના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. નાસભાગ બાદ શ્રદ્ધાળુઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઇટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં 19 મહિલાનો પણ સમાવેશ થાય છે.
ફુલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન જ ભારે ગરમી અને ભેજના કારણે ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક કોમ્યુનિટી સેન્ટર સહિત વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.ઇટાના સીએમઓ ડૉ. ઉમેશ કુમાર ત્રિપાઠીએ 30થી વધુ મૃતદેહોની પુષ્ટિ કરી છે. જેમાં 19 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક અસરથી રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સીએમ યોગીની સૂચના પર, ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અલીગઢ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ આ સમગ્ર મામલાની તપાસ કરશે. આ સમિતિમાં એડીજી આગ્રા અને કમિશનર અલીગઢની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે.
આઈજી શલભ માથુરે જણાવ્યું કે સત્સંગ કાર્યક્રમમાં જગ્યા ઓછી હતી પરંતુ ભીડ ઘણી હતી. ગરમી અને વાતાવરણના કારણે પંડાલની નીચે ઘણા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને તેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોની સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓ ગંભીર રીતે ઘાયલ છે તેમને મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.