ભાગવતજી, તમે બોધ તો સારો આપ્યો પણ વધુ બાળકો પેદા કરવા આર્થિક મજબુતાઇ આપો
ભારતમાં એક તરફ સતત વધી રહેલી વસતીના વધારાને રોકવા માટે કાયદો લાવવાની માગ થઈ રહી છે ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વસ્તી વધારાના દરમાં ઘટાડાને મુદ્દે ચિંતા વ્યક્ત કરીને આશ્ચર્ય સર્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગવતે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડાને ચિંતાનો વિષય ગણાવીને કહ્યું કે. આધુનિક વસ્તીશાસ્ત્ર કહે છે કે કોઈ સમાજમાં મહિલાઓનો ફળદ્રુપતાનો દર (ફર્ટિલિટી રેટ) એટલે કે પ્રજનન દર 2.1 થી નીચે જાય છે ત્યારે તે સમાજ ધીરે ધીરે પૃથ્વી પરથી વિલુપ્ત થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને સમાજોનો નાશ થયો છે તેથી ભારતે સતર્ક થવાની જરૂૂર છે અને આપણો પ્રજનન દર. 2.1 થી નીચે ન હોવો જોઈએ. ભાગવતનું નિવેદન આશ્ચર્યજનક એ રીતે છે કે, ભાગવત પોતે જ પહેલાં વસ્તી વધારાને રોકવાની જરૂૂરીયાત પર ભાર મૂકી ચૂક્યા છે.
2022ના જુલાઈમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહેલું કે, ખાધા કરવાનું અને બાળકો પેદા કરવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે તેથી મનુષ્યે માત્ર બાળકો પેદા ના કર્યા કરવાં જોઈએ. માત્ર જીવતા રહેવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. માણસની અનેક ફરજો છે ને તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. એ પહેલાં 2021માં નાગપુરમાં દશેરાએ કરેલા સંબોધનમાં તો ભાગવતે વસ્તી વધારાને રોકવા માટે કાયદો લાવવાની તરફેણ કરી હતી. આ પ્રવચનમાં ભાગવતે સૌથી મહત્ત્વની બે વાત હિંદુ ધર્મમાં પ્રબળ બનતી જતી જ્ઞાતિપ્રથા અને વસ્તી વધારાને રોકવા માટે જરૂૂરી નીતિની કરી હતી. ભાગવતના આ નિવેદનને સૌએ વખાણેલું કેમ કે મુસ્લિમોની વધતી જતી વસ્તીનો મુકાબલો કરવા માટે હિંદુવાદીઓનો એક વર્ગ પણ હિંદુઓએ વધારે બાળકો પેદા કરવાં જોઈએ એવી રેકર્ડ ક્યારનો વગાડયા કરે છે. ભાગવતે તેનાથી અલગ સૂર કાઢીને હિંદુઓ અને મુસ્લિમો સહિત બધાં વસ્તી વધારાને રોકવામાં યોગદાન આપે અને તેના માટે કાયદો ઘડાય તેની તરફેણ કરી હતી. દેશમાં પહેલાં જ વસ્તી વિસ્ફોટ થઈ ચૂક્યો છે ત્યારે વધુ બાળકોની વાત યોગ્ય નથી એવી સમજદારીની વાત કરવા બદલ ભાગવતને સૌણ વખાણેલા પણ અત્યારે ભાગવતે જે વાત કરી છે એ જોતાં લાગે છે કે તેમની સમજદારી પણ હવા થઈ ગઈ છે. ભાગવત પણ ટીપીકલ હિંદુવાદીઓ જેવી વાતો કરવા માંડયા છે.
ભાગવત સહિતના તમામ કહેવાતા હિંદુવાદી નેતાઓની તકલીફ એ છે કે, એ લોકો હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની સૂફિયાણી સલાહો આપે છે પણ આ બાળકોનો ઉછેર કઈ રીતે કરવો, તેમનું પૂરંતુ કઈ રીતે કરવું, તેમને સારું શિક્ષણ કઈ રીતે આપવું, તેમને સારી રોજગારી કઈ રીતે આપવી એ વિશે વિચારતા નથી. તેમને ઘેટાંનાં ટોળાં પેદા કરીને વાડા ભરવામાં રસ છે પણ આ રીતે વાડા ભરવાથી કોઈ ધર્મ કે સમાજ ના ટકે. સમાજને ટકાવવા આર્થિક મજબૂતાઈ આપવી પડે, લોકોનાં જીવન સુખમય બનાવવાં પડે. ભાગવત સહિતના નેતાઓએ તેના વિશે વિચારવાની જરૂૂર છે.