ભાજપમાં ભડકો, નીતિન પટેલ સામે સંઘના જૂના જોગીએ બંડ પોકાર્યુ
નીતિનભાઈ સામે મેં કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે તેને રૂા. 1 કરોડનું ઈનામ : કડી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન રમેશ પટેલનો ખુલ્લો પડકાર
પત્રિકા બહાર પાડી વિવાદનો પટારો ખોલતા ભાજપના આંતરિક રાજકારણમાં ખળભળાટ
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધાર્યા કરતા નબળા દેખાવ બાદ ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષ અને આંતરિક વિખવાદ ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે. જૂનાગઢ, સોમનાથ, સુરત અને વડોદરા બાદ હવે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સામે તેના જ ગઢગણાતા કડીમાં આર.એસ.એસ.ના જૂના જોગીએ બંડ પોકારી દીધું છે. અને બાકાયદા એક ત્રણ પાનાની લાંબી લચક પત્રિકા વાયરલ કરી નિતિન પટેલ સામે અનેક પડકારો ઉભા કરતા ગુજરાત ભાજપમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
વિજયભાઈ રૂપાણીની સરકાર ઘરભેગી થયા બાદ નિતિનભાઈ પટેલને હાલ કોઈ મહત્વનું પદ આપવામાં આવેલ નથી. જ્યારે કડી માર્કેટ યાર્ડના ચેરમેન બનવા માટે નિતિનભાઈ પટેલે શરૂ કરેલા પ્રયાસો અને રાજકીય કાવાદાવા વચ્ચે કડી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન રમેશભાઈ પટેલે ‘જાહેર ખુલ્લાસો, એક કરોડનું ઈનામ’ શિર્ષક હેઠળ આજે એક પત્રિકા વાયરલ કરી છે અને તેમાં પડકાર થઈ ગયો છે કે, હું રમેશભાઈ બચુભાઈ પટેલ પૂર્વ એપીએમસી ડિરેક્ટર-કડી, ગામ આંદુધ્રા જાહેર ખુલ્લાસા સાથે જણાવું છું કે મે પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે તો એને એક કરોડનું ઈનામ આપીશ. મેં મારી 49 વર્ષની ઉંમરમાં કોઈ પાસે લાંચ લીધી હોય, ચોરી-શેનારી કરી હોય, કોઈના તોડ-પાણી, બ્લેકમેઈલીંગ કે અન્ય રીતે ધમકાવીને પૈસા પડાવ્યા હોય, લેટરપેડનો ઉપયોગ કરી પૈસા પડાવ્યા હોય તે સાબિત કરનારને એક કરોડનું ઈનામ આપવામાઁ આવશે.
પત્રિકામાં રમેશભાઈ પટેલે જણાવ્યું છે કે, મારા માર્કેટ કડી યાર્ડના ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન મેં ભ્રષ્ટાચાર કર્યો હોય ખેડુતોને કે કિશાન સંઘને મદદ ન કરી હોય તે સાબિત કરનારને પણ ઈનામ અપાશે. વધુમાં જણાવેલ છે કે, 2015માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆતથી અંત સુધી જ્યારે ભાજપના અન્ય નેતાઓ મો સંતાડતા હતાં તેવા સમયે મેં નિતિન પટેલ તથા ભાજપ સરકારના સમર્થનમાં ઢાલ બનીને જીવના જોખમે અસંખ્ય કાર્યક્રમો આપ્યા હતાં. અને સરકારના સમર્થનમાં કામ કર્યુ હતું. જેના ફળની સજા આજે મને નિતિનભાઈ જેવા નેતાઓ આપી રહ્યા છે. જો તે સાબિત કરે તેને એક કરોડનું ઈનામ આપવામાં આવશે.
રમેશભાઈએ વધુમાં પત્રિકામાં જણાવેલ છે કે, હું બાલ્યાવસ્થાથી આર.એસ.એસ. સાથે સંકડાયેલ છું મારા જીવનમાં ક્યારેય મે રાજકીય, સામાજીક કે ધાર્મિક કાર્ય મારા માટે કરેલ નથી. પરંતુ પોતે જ કડીને કંટ્રોલ કરી શકે ને પોતે જ કડીના સર્વેસર્વા છે. એવું ભાજપ હાઈકમાન્ડમાં પ્રસ્થાપિત કરવા તથા એમનું સ્થાન કડીમાં કોઈ બીજા નેતા ન લઈ લે તેમાટે બે-ચાર ખુશામતખોરોને કોસીને કડી ભાજપના કાર્યકરો તથા હોદેદારોમાં ભાગલા પાડી ભાજપને નુક્શાન કરવાની નિષ્ફળ કોશીષ તેઓ (નિતિનભાઈ) છેલ્લા બે-ત્રણ વર્ષથી કરી રહ્યા છે. પરંતુ પાર્ટીના 99.99 ટકા કાર્યકર્તાઓની વફાદારી અને એકતાના કારણે તેઓ ભાગલા પાડવામાં સફળ થયા નથી.