પાણી વિના તરફડતું બેંગાલુરુ: જાગીશું નહી તો બીજા શહેરોની પણ આવી જ હાલત થશે
હમણાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે તેથી એક બહુ મોટા સમાચાર તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી. દેશમાં વસતીની રીતે ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર બેંગલુરુમાં અત્યારે લોકોને પીવા કે વાપરવા માટે પાણીનાં વલખાં થઈ ગયાં છે તેમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. પાણીની તંગીથી લોકો એ હદે પરેશાન છે કે, ઘણી સોસાયટીઓએ તો દરેક રહીશને અડધી ડોલ પાણીમાં જ નાહી લેવાની ને શૌચ પ્રક્રિયા પતાવી દેવાની સૂચના આપવી પડી છે. સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ, કંપનીઓએ પાણી બચાવવાનાં અભિયાન શરૂૂ કરવાં પડ્યાં છે. નળમાં પાણી બચાવવાનાં ઉપકરણો લગાવવાથી માંડીને કપડાં અને વાસણો ધોવા માટે સામૂહિક રીતે કેનનો ઉપયોગ કરવા સુધીના પ્રયોગો લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો મુખ્યમંત્રી સિદ્ધા રમૈયાને વિનંતી કરી રહ્યા છે કે, વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરે કે જેથી બેંગલુરૂૂમાંથી લોકો પોતાના વતન જઈને કામ કરે તો શહેર પર ભારણ ઘટે. બેંગલુરૂૂમાં 67 હજાર આઇટી કંપનીઓ છે અને આ કંપનીના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ ફરજિયાત કરી દેવાય તો લાખો લોકો શહેરની બહાર જઈને કામ કરે તો પાણીની કટોકટી ઓછી થાય.
એ જ રીતે કોચિંગ સેન્ટર્સ અને સ્કૂલો પણ બાળકોને સ્કૂલમાં બોલાવવાને બદલે ઘરેથી જ ક્લાસ લે એવો આદેશ આપવાની પણ લોકો વિનંતી કરી રહ્યા છે. કર્ણાટકની સરકાર આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવે છે એ જોવાનું રહે છે પણ બેંગલુરૂૂમાં પાણીની તંગીએ આપણે હજુ નહીં જાગીએ તો ભવિષ્યમાં આપણી શું હાલત થશે તેનું ટ્રેલર છે. ભારતમાં બેંગલુરુ પહેલું શહેર નથી કે જે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું હોય.ચેન્નઈમાં 2019માં પાણીની ગંભીર કટોકટીમાંથી સર્જાઈ હતી અને સ્થિતિ એવી થઈ ગઇ.લી કે વોટર ટ્રેન દ્વારા પાણી પહોંચાડવું પડ્યું હતું. આ તો બે શહેરોની વાત કરી પણ મોટા ભાગનાં શહેરોમાં આ જ હાલત છે. નીતિ આયોગે તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપી જ છે કે, 2030 સુધીમાં ભારતનાં લગભગ 10 શહેરો ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યાં હશે. જયપુર, દિલ્હી, બેંગલુરુ, ગાંધીનગર, ગુરુગ્રામ, ઈન્દોર, અમૃતસર, લુધિયાણા, હૈદરાબાદ, ચેન્નઈ, ગાઝિયાબાદ આ દસ શહેરોની હાલત બેંગલુરુ જેવી જ થઈ જશે એવું આ રિપોર્ટમાં કહેવાયું છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણાં શહેરોમાં સૌથી પહેલાં તો વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ માટેના અલગ તંત્ર ઉભાં કરવાં પડે. વોટર મેનેજમેન્ટમાં સૌથી મહત્ત્વની બાબત વરસાદી પાણીનો સંગ્રહ અને વેસ્ટ વોટર રિસાયકલીંગ છે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય.