પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથી
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી તરત જ 18 જુલાઈએ ખુલ્લો પત્ર લખીને જીવન વીમા અને મેડિકલ વીમાના પ્રીમિયમ પરનો 18 ટકા જીએસટી હટાવવાની માગ કરી હતી. એ પછી તરત જ સપ્ટેમ્બરમાં જીએસટીની બેઠક યોજાયેલી પણ ગડકરીની વાત સ્વીકારીને વીમા પરનો જીએસટી દૂર કરવા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નહોતો.
નાણાં મંત્રી નિર્મલા સીતારામને એ વખતે જાહેરાત કરી હતી કે, મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડા અંગેની ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) ઓક્ટોબરના અંત સુધીમાં રિપોર્ટ સબમિટ કરશે અને તેના આધારે નિર્ણય લેવાશે. નિર્મલા મેડમે દાવો કરેલો કે, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવા માટે વ્યાપક સર્વસંમતિની જરૂૂર પડશે. મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવા માટે વ્યાપક સહમતિ જરૂૂરી હોવાથી હાલ પૂરતો નિર્ણય ટાળવામાં આવ્યો છે.આ વાતને ત્રણ મહિના થઈ ગયા અને ઓક્ટોબર પણ ક્યારનો પતી ગયો. ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) દ્વારા તેનો રિપોર્ટ સબમિટ કરાયો કે નહીં એ કોઈને ખબર નથી કેમ કે સરકારે ફોડ પાડીને તેની વાત કરી નથી પણ આ વખતે પણ જીઓએમના નામે બિલ ફાડી દેવાયું. નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કરી દીધું કે, આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે મંત્રીઓના જૂથે હજુ ઘણું કામ કરવાનું છે તેથી આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.
નરેન્દ્ર મોદી સરકાર આ મામલે કેમ ઠાગાહૈયા કરી રહી છે એ કળવું મુશ્કેલ છે પણ ગડકરીએ આ મુદ્દો ઉઠાવ્યો તેના કારણે નિર્મલા સીતારામનને પેટમાં ચુંક આવતી હોય એવું બને. ગડકરીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામનને લખેલા પત્રમાં કટાક્ષ કરેલો કે, જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા જેવું છે.
આ દેશના મિડલ ક્લાસ લોકોએ ભાજપ સરકારની આ માનસિકતાને સમજવા જેવી છે. આ સરકાર ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને બે-બે હજાર જમા કરાવી શકે છે, ગરીબોને પાંચ વર્ષથી મફત અનાજ આપીને પોષે છે ને હજુ બીજાં પાંચ વર્ષ પોષવાની છે, પણ મધ્યમ વર્ગનાં લોકોને નાની રાહત પણ આપતાં તેનો જીવ નથી ચાલતો.