બંસીધર ટોબેકો: લકઝરી ગાડીઓ પછી 5 હીરાજડિત ઘડિયાળો મળી
- બીજા દિવસે પણ આવકવેરાના દરોડા ચાલુ: પાન-મસાલા જુથ પણ ઝપટે ચડશે
બંશીધર ટોબેકો ગ્રૂપ પર આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી ત્રીજા દિવસે પણ ચાલુ છે, આવકવેરા વિભાગની ટીમ ત્રીજા દિવસે પણ કંપનીના માલિક કેકે મિશ્રાની દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેકે મિશ્રા પોતાની ખરાબ તબિયતનું કારણ આપીને અધિકારીઓના સવાલોના જવાબ આપવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દરોડાના બીજા દિવસે, આવકવેરા વિભાગના અધિકારીઓએ બંશીધર ટોબેકો ગ્રૂપના વડા કે કે મિશ્રાના પરિસરમાંથી આશરે રૂૂ. 2.5 કરોડની કિંમતની હીરા જડિત ઘડિયાળ સહિત કરોડો રૂૂપિયાની લક્ઝરી ઘડિયાળો રિકવર કરી હતી. આવકવેરા વિભાગને કુલ પાંચ ઘડિયાળો મળી છે, જેના મૂલ્યાંકન માટે વેલ્યુઅરને બોલાવવામાં આવ્યા છે, કંપનીના માલિકની પૂછપરછ દરમિયાન આવકવેરા અધિકારીએ એ પણ પૂછ્યું કે જો કંપનીનું ટર્નઓવર માત્ર 20-25 કરોડ રૂૂપિયા છે તો 60-70 કરોડ રૂૂપિયાથી વધુની કિંમતના વાહનો તેના ઘરમાં શું કરી રહ્યા છે.
બંશીધર ટોબેકો લિમિટેડ કંપનીએ કોઈપણ દસ્તાવેજો વગર મોટા પાન મસાલા ગ્રુપને માલ વેચ્યો હતો. એટલે કે, કોઈપણ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા વિના, પાન મસાલા ગ્રુપે આ કંપની પાસેથી માલ લીધો હતો. તેના આધારે આવકવેરા વિભાગ મોટા પાન મસાલા જૂથ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે જે આ કંપની પાસેથી સામાન ખરીદતા હતા. હાલની કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 4.30 કરોડ રૂૂપિયાની રોકડ અને 2.5 થી 3 કરોડ રૂૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.
આ સાથે ગુજરાતમાં વેપારીનું ઘર, ગુજરાતના ઊંઝામાં આવેલી ફેક્ટરી અને બંશીધર કંપની ગુંટુરમાં જે કંપનીમાંથી માલ ખરીદે છે તેના લોકેશન પર પણ આવકવેરા વિભાગની ટીમો દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.