પાંચ વર્ષમાં બેંકોએ 6.15 લાખ કરોડની લોન માંડી વાળી, લોકસભામાં આંકડા રજૂ
સંસદના શિયાળુ સત્ર દરમિયાન બેંકિંગ સેક્ટરની કામગીરી અને ખરાબ લોન (NPA) અંગે મહત્વની ચર્ચા થઈ હતી. એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણા રાજ્યમંત્રીએ સંસદને જણાવ્યું હતું કે દેશની જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 6.15 લાખ કરોડ રૂૂપિયાની લોન ’રાઈટ-ઓફ’ કરી છે (માંડી વાળી છે).
લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડેટાને ટાંકીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ નાણાકીય વર્ષ અને વર્તમાન નાણાકીય વર્ષ (30 સપ્ટેમ્બર, 2025 સુધી) માં જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ 6,15,647 કરોડ રૂૂપિયાની લોન માંડી વાળી છે. સામાન્ય રીતે બેંકો RBI ની માર્ગદર્શિકા મુજબ જે લોન માટે 4 વર્ષ સુધી પૂર્ણ જોગવાઈ કરી હોય, તેને બેલેન્સ શીટમાંથી હટાવવા માટે આ પ્રક્રિયા કરે છે.
જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું કે શું સરકાર બેંકોમાં નવી મૂડી નાખવાની યોજના ધરાવે છે? ત્યારે તેમણે સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 થી સરકારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) માં કોઈ વધારાની મૂડી રોકી નથી. હવે બેંકો નફાકારક બની છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત છે.
1 એપ્રિલ, 2022 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળામાં સરકારી બેંકોએ માર્કેટમાંથી ઇક્વિટી અને બોન્ડ દ્વારા જાતે જ 1.79 લાખ કરોડ રૂૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે.ઘણા લોકો ‘રાઈટ-ઓફ’ (Write-off)) ને લોન માફી (Waiver) સમજે છે, પરંતુ નાણા રાજ્યમંત્રીએ આ ગેરસમજ દૂર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોન માંડી વાળવાનો અર્થ એ નથી કે લોન લેનારની જવાબદારી પૂરી થઈ ગઈ. બેંકો દ્વારા લોન વસૂલાતની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. બેંકો સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT), SARFAESI એક્ટ અને NCLT જેવા કાયદાકીય માર્ગો દ્વારા ડિફોલ્ટરો પાસેથી નાણાં વસૂલવાના પ્રયાસો જારી રાખે છે.
બેંકોની લિક્વિડિટી (તરલતા) પર આ નિર્ણયની શું અસર પડશે? તેવા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બેડ લોન માટે બેંકો પહેલાથી જ જોગવાઈ (Provisioning) કરી ચૂકી હોય છે. રાઈટ-ઓફ એ માત્ર એક એકાઉન્ટિંગ પ્રક્રિયા છે જેમાં કોઈ વાસ્તવિક રોકડ પ્રવાહ હોતો નથી, તેથી બેંકોની તરલતા યથાવત રહે છે.