અયોધ્યામાં રામ મંદિર આસપાસ બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA ) એ માસ્ટર પ્લાન-2031 હેઠળ રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતોના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો છે. રામ મંદિરની સુંદરતા અને આધ્યાત્મિક પવિત્રતા જાળવવાના પ્રયાસરૂૂપે ADA એ આ પગલું ભર્યું છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું ઉદ્ઘાટન ગયા વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું હતું.
ત્યારથી, મંદિર નિર્માણ અને અન્ય યોજનાઓના વિસ્તરણ પર સતત કામ ચાલી રહ્યું છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ માસ્ટર પ્લાન-2031 હેઠળ રામ મંદિરની આસપાસના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે અને રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતોના બાંધકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ADA એ અયોધ્યામાં વિવિધ સ્થળોએ નોટિસ બોર્ડ લગાવવાનું શરૂૂ કર્યું છે, જેમાં નવા નિયમોની સ્પષ્ટ રૂૂપરેખા આપવામાં આવી છે અને અનધિકૃત બાંધકામ સામે ચેતવણી આપવામાં આવી છે. આ પ્રતિબંધોનો અર્થ એ છે કે રામ મંદિરની નજીક કોઈ નવી બહુમાળી ઇમારત બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.અયોધ્યા વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ અશ્વની પાંડેએ જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકામાં મંદિરની ઇમારતોની ઊંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવી છે.