બંગાળમાં બાબરી મસ્જિદ: ભાજપને હાથવગો મુદ્દો આપતી તૃણમુલ કોંગ્રેસ
ભારતમાં મોટા ભાગના નેતાઓ અત્યંત નીચ માનસિકતા ધરાવે છે. તેમને રાજકીય ફાયદા માટે લોકોને લડાવી મારવામાં કે વધેરી દેવામાં જરાય શરમ નથી આવતી. આ માનસિકતાનો તાજો દાખલો પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે પૂરો પાડયો છે. કબીરે એલાન કર્યું છે કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તોડી પડાયેલી બાબરી મસ્જિદની યાદ તાજી રાખવા માટે બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવાશે અને આ પ્રસ્તાવિત બાબરી મસ્જિદનો શિલાન્યાસ 6 ડિસેમ્બરે કરાશે. 6 ડિસેમ્બર બાબરી મસ્જિદના ધ્વંસની વરસી છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ હિંદુવાદી સંગઠનનોના કાર્યકરોએ કારસેવા દરમિયાન જોશમાં આવી જઈને બાબરી મસ્જિદને તોડી પાડી હતી અને બાબરીના સ્થાને સપાટ મેદાન બનાવી દીધું હતું. આ મસ્જિદના સ્થાને અત્યારે ભવ્ય રામમમંદિર ઊભું છે. બંગાળના ભરતપુરના ધારાસભ્ય કબીરે એલાન કર્યું છે કે, મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં 6 ડિસેમ્બરે ‘બાબરી’ મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવશે અને ત્રણ વર્ષમાં આ મસ્જિદ પૂર્ણ તૈયાર થઈ જશે.
હુમાયુનો દાવો છે કે, પોતે ગયા વર્ષે 12 ડિસેમ્બરે ’બાબરી’ મસ્જિદના નિર્માણનું વચન આપેલું ને આ વચન પૂરું કરવાની દિશામાં 6 ડિસેમ્બરે પહેલું પગલું ભરાશે. ‘બાબરી મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમમાં લગભગ બે લાખ લોકો હાજર રહેશે અને 400 ધુરંધરોને સ્ટેજ પર હાજર રખાશે. હુમાયુ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય છે તેથી મમતા બેનરજીના ઈશારે આ ઉધામા કરી રહ્યા હોવાનું સૌને લાગે, પણ 6 ડિસેમ્બરે મમતા બેનરજીની કોલકાતામાં યોજાનારી જાહેર સભાને સમાંતર આ કાર્યક્રમ થવાનો છે તેથી ખરેખર મમતાના ઈશારે બધું થઈ રહ્યું છે કે કેમ એ સ્પષ્ટ નથી. કોલકાત્તાના તૃણમૂલ કોંગ્રેસના કાર્યક્રમમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી સહિતના દિગ્ગજો હાજર રહેવાના છે. મમતાની પાર્ટી 1992ના બાબરી મસ્જિદ ધ્વંસની વરસીએ સંહતિ દિવસ (એક્તા દિવસ) ઉજવવાનાં છે. મમતા આવી ડાહી ડાહ વાતો કરીવા માટે જાણીતાં છે પણ તેમનો મુખ્ય ઉદ્દેશ તો મુસ્લિમ મતબેંકને પોતાની સાથે જોડી રાખવાનો જ છે.
પશ્ચિમ બંગાળમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી છે ને એ વખતે મુસ્લિમ મતદાર તૃણમૂલ કોંગ્રેસ સાથે રહે એ માટે ભાજપ તથા તેનાં સાથી સંગઠનોએ બાબરી મસ્જિદ તોડી નાંખેલી તેની યાદ અપાવવા આ બધો ખેલ થઈ રહ્યો છે એ કહેવાની જરૂૂર નથી. કબીરે બેલડાંગાના શિલાન્યાસ સમારોહનું નિરીક્ષણ કરવા માટે કોલકાતાના કાર્યક્રમમાં નહીં જવાની જાહેરાત કરી છે, અને જાહેર કર્યું છે કે, પોતે 1992 થી દર વર્ષે 6 ડિસેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવે છે. તેથી બીજા કોઈ કાર્યક્રમમાં નહીં જાય. કબીરની વાતો પરથી એ મમતાની સામે બાંયો ચડાવીને પડ્યો હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે, પણ રાજકારણીઓને લુચ્ચાઈમાં કોઈ ના પહોંચે.