સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ લોકશાહી-ન્યાયતંત્રના સિધ્ધાંતો પર હુમલો છે
અત્યાર સુધી નેતાઓ અને કયારેક નીચલી અદાલતોમાં જજ પર જુતું ફેંકવાના બનાવો બનતા આપણે જોયા છે, પણ આ વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇ પર કોર્ટ કાર્યવાહી દરમિયાન રાકેશકુમાર નામના વડીલ વકલેે જુતું ફેંકવા પ્રયાસ કર્યો અને તેને બહાર લઇ જવાયો હતો ત્યારે તેણે નારો લગાવ્યો કે સનાતન ધર્મ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન. આ બનાવ પછી સીજેઆઇએ વિચલિત થયા વગર કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપી કહ્યું કે આવા બનાવની તેમના પર કોઇ અસર નહીં પડે. તેમણે મોટું મન રાખી એ વકીલ પ્રત્યે પણ કોઇ કાનુની કાર્યવાહી કરવા ઇન્કાર કરતા વકીલને કોર્ટ પરિસરમાં જ મુકત કરી દેવાયા હતા.
અલબત, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ વકીલની સનદ રદ કરવાનું આવકારદાયક પગલું ભર્યું છે પણ અહેવાલ મુજબ આ વકીલને પોતાના કૃત્ય પર કોઇ અફસોસ નથી. આ ઘટનાને ન્યાયતંત્રની સ્વાયતતા અને લોકશાહીના મુળ સિધ્ધાંત સહિષ્ણુતા અને અસહમત થવાના અધિકારના સંદર્ભમાં જોવી જોઇએ. રાકેશ કિશોરે કરેલી હરકત માટે ચીફ જસ્ટિસે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલા જવારી (વામન) મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અંગે કરેલી ટિપ્પણીને કારણભૂત ગણાવાઈ છે.
જવારી (વામન) મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી તૂટેલી મૂર્તિના પુન:સ્થાપનની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. અરજદારે દાવો કર્યો હતો કે, મુઘલ આક્રમણ દરમિયાન મૂર્તિને નુકસાન થયું હતું અને ત્યારથી તે ખંડિત થયેલી સ્થિતિમાં છે. સુપ્રીમ કોર્ટે હિંદુ ભક્તોના પૂજાના અધિકારનું રક્ષણ કરવા અને મંદિરની પવિત્રતા પુન:સ્થાપિત કરવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. ચીફ જસ્ટિસ ગવઈએ આ અરજી ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસે એ વખતે એવી ટિપ્પણી પણ કરેલી કે, આ વાત લઈને તમે સુપ્રીમ કોર્ટમાં આવો છો, તેના બદલે તમારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે કંઈક કરે.
તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હોવાનો દાવો કરો છો તો ભગવાન તમારી પ્રાર્થના કેમ સાંભળતા નથી ? ચીફ જસ્ટિસે એવી પણ સ્પષ્ટતા કરેલી કે, આ મામલો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના અધિકારક્ષેત્રનો છે તેથી અમે તેમાં દખલ ના કરી શકીએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભગવાન વિષ્ણુની મૂર્તિ વરસોથી જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહેશે.
અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માંગતા ભક્તો બીજા મંદિરમાં જઈ શકે છે. જસ્ટિસ ગવઈની કોમેન્ટ સામે એ વખતે પણ ભારે હોહા કરી દેવાયેલી. ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિને સ્થાપિત કરવાની માગ કરનારા અરજદાર રાકેશ દલાલે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને પોતાની ધાર્મિક લાગણીઓનું અપમાન ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ટાંપીને જ બેઠેલી જમાતે તેમાં ટાપસી પૂરાવી તેથી થોડો દેકારો મચી ગયેલો પણ કોઈએ ખુલ્લંખુલ્લા મેદાનમાં આવવાની હિંમત નહોતી કરી.