લોકસભા સાથે કાશ્મીર સહિત 5 રાજ્યમાં વિધાનસભાઓની ચૂંટણી
- આંધ્ર, ઓડિશા, સિક્કિમ, અરુણાચલ વિધાનસભાની મુદત જૂનમાં પૂરી થઇ રહી છે: સુપ્રીમે કાશ્મીરમાં પણ વહેલી ચૂંટણીનો આદેશ આપ્યો છે
લોકસભાની ચુંટણી સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે ચૂંટણી પંચની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આયોગે આગામી લોકસભા ચૂંટણી માટે દેશભરમાં સુરક્ષા દળોની તૈનાતીને લઈને ગૃહ મંત્રાલય તેમજ રેલવે મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી. આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ પણ જૂનમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે અને આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ચૂંટણી પંચની એક ટીમ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીર જઈ રહી છે અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.
કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રથમ ચૂંટણી
2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નામથી બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. જો વિધાનસભાની ચૂંટણી થશે તો કલમ 370 નાબૂદ થયા બાદ આ પહેલી ચૂંટણી હશે. સીમાંકન બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સીટોની સંખ્યા 83 થી વધીને 90 થઈ ગઈ છે. આમાં પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર માટે અનામત બેઠકોનો સમાવેશ થતો નથી.